Bharuch : કેલોદનો અત્યંત જર્જરિત બ્રિજ, લોકોની સલામતી પર જોખમ
- કેલોદનો જર્જરિત બ્રિજ, લોકોની સલામતી પર જોખમ
- બ્રિજની નીચે આવેલા ભૂખી ખાડીમાં પૂલવાડી મેલડી માતાજી અને ભૂત મામાના મંદિરો
- ચોમાસામાં સતત વધી રહ્યું છે જોખમ
Kelod Bridge Collapse Risk : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતમાં તમામ પુલોનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં ભરૂચ જિલ્લાના કેલોદ ગામનો બ્રિજ પણ તપાસ હેઠળ આવ્યો છે, જે અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બ્રિજની દીવાલ તાજેતરમાં ધસી પડી હોવાથી સમગ્ર બ્રિજની મજબૂતાઈ પર પ્રશ્નો ઊભા થયા છે. આ બ્રિજની નીચે આવેલા ભૂખી ખાડીમાં પૂલવાડી મેલડી માતાજી અને ભૂત મામાના મંદિરો આવેલા છે, જ્યાં રવિવાર અને મંગળવારે ગુજરાતભરમાંથી ભક્તો દર્શન માટે આવે છે. બ્રિજની જર્જરિત હાલતને કારણે ભક્તો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
ભૂખી ખાડી અને પૂલવાડી મેલડી માતાજીનું મહત્વ
ભરૂચથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું કેલોદ ગામ પૂલવાડી મેલડી માતાજીના મંદિર માટે પ્રખ્યાત છે. ભૂખી ખાડીમાં આવેલા આ મંદિરમાં મેલડી માતાજી હાજરા હાજૂર હોવાની શ્રદ્ધા છે. ખાસ કરીને રવિવાર અને મંગળવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો ભૂખી ખાડીના પાણીમાં હાથ-પગ ધોઈને મેલડી માતાજી અને ભૂત મામાના દર્શન કરે છે. ત્યારે આ બ્રિજની જર્જરિત હાલત ભક્તોની સલામતી માટે ગંભીર જોખમ ઉભું કરી રહી છે.
બ્રિજની બગડેલી હાલત
કેલોદનો આ બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો છે કે તેની દીવાલો ધસી પડવાની સ્થિતિમાં છે. બ્રિજની નીચે આવેલા પગથિયાંની બાજુમાં જ એક દીવાલ સંપૂર્ણપણે નમી ગઈ છે, જેનો એક ભાગ તો ખરેખર ધસી પડ્યો છે. બાકીનો ભાગ પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો જેવા કે ટેમ્પા, ટ્રક, કન્ટેનર અને ટેન્કરોને કારણે બ્રિજના પિલરો નબળા પડી ગયા છે. આ ઉપરાંત, બ્રિજની સપાટી પર મોટા ખાડા થઈ ગયા છે અને રેલિંગ પણ તૂટવાની સ્થિતિમાં છે. ભક્તોના આક્ષેપો અનુસાર, બ્રિજના પોપડા ખરીને નીચે દર્શન કરવા આવેલા ભક્તો પર પડે છે, જેના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. મંદિરના મહંતે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે જો બ્રિજની દીવાલ ભક્તોની અવરજવર દરમિયાન ધસી પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. જેથી વહેલી તકે મરામત કરાવવાની માંગ પણ મંદિરના મહંતે કરી છે.
ચોમાસામાં વધતું જોખમ
ચોમાસાની ઋતુમાં ભૂખી ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જાય છે, કારણ કે વડોદરા તરફથી સતત પાણીનો જથ્થો આવે છે. આ સમયે મંદિર ઘણીવાર પાણીમાં ડૂબેલું રહે છે, પરંતુ પાણી ઘટવા પર ભક્તો દર્શન માટે આવે છે. આ ભારે પાણીના પ્રવાહને કારણે બ્રિજના પિલરો વધુ નબળા થઈ રહ્યા છે, જે બ્રિજ ધરાશાયી થવાની શક્યતાને વધારે છે. જો આવું થાય તો જવાબદાર કોણ હશે? આ પ્રશ્ન સ્થાનિકો અને મંદિરના મહંત દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
સ્થાનિકોની રજૂઆતો અને ઉપેક્ષા
સ્થાનિક ગ્રામજનો અને મંદિરના મહંતોએ બ્રિજની જર્જરિત હાલત અંગે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી તેની મરામત માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો બ્રિજ ધસી પડે તો મોટી દુર્ઘટના થઈ શકે છે, જેમાં ઘણા લોકો જીવ ગુમાવી શકે છે. આ બ્રિજની હાલતને કારણે ગ્રામજનોને પણ રોજિંદા જીવનમાં જોખમનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : Junagadh : આજક-આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો, માર્ગ અને મકાન વિભાગે કરી સ્પષ્ટતા
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ


