Bhavnagar: કોર્ટનો ઐતિહાસિક હુકમ, NDPS કેસમાં 4 આરોપીને 20 વર્ષની સજા, ડ્રગ્સ માફિયામાં ફફડાટ
Bhavnagar NDPS Case Verdict: ભાવનગરના વેળાવદર ભાલ (Velavadar Bhal) વિસ્તારમાં વર્ષ ૨૦૨૪માં ડ્રગ્સની હેરાફેરીના એક મોટા કેસમાં આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભાવનગરની અદાલતે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળના આ ગંભીર કેસમાં ચાર આરોપીઓને દોષિત ઠેરવીને 20 વર્ષની આકરી કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ માફિયાઓ સામેના આ કડક વલણને કારણે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
Bhavnagar: મુંબઈથી આવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
વર્ષ2024માં ભાવનગર પોલીસે બાતમીના આધારે સનેશ ગામ (Sanesh Village) પાસે ખાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુંબઈથી આવી રહેલી એક બલેનો કારને અટકાવી તલાશી લેતા તેમાંથી MD ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં કુલ સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જે મામલો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. કેસની ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ જે.એ. પંડ્યા (Government Pleader J. A. Pandya) દ્વારા રજૂ કરવામાં આવેલી મજબૂત દલીલો અને પુરાવાઓને માન્ય રાખીને કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
ચુકાદા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
જે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે તેમાં તોફિક અહેમદ મનસુરી, એજાજ ઉર્ફે બાદશાહ મનસુરી, અલ્ફાઝ સાદીક ગોરી અને હુસેન ઉર્ફે ટાઈગર અખ્તરભાઈ કલીવાલાનો સમાવેશ થાય છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો આરોપીઓ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધુ બે વર્ષની કેદ ભોગવવી પડશે. બીજી તરફ, મુંબઈના ત્રણ આરોપીઓ મેફૂઝ અયુબભાઈ મિયાનુર, તોહરાબખાન અબ્દુલ રહેમાનખાન અને મોહમ્મદ રિઝવાનને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા છે. ચુકાદા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) હેઠળ તમામ દોષિતોને જિલ્લા જેલ (District Jail) ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સૌથી મોટો સંરક્ષણ સોદો,114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા સરકારની મહોર


