Kutch : ભૂકંપની થપાટથી ભૂ ભેગુ થયેલું ભીમાસર આજે બન્યુ Smart Village
પાકિસ્તાની સરહદને અડીને આવેલો કચ્છ જિલ્લો ગુજરાત સરકારની વિકાસ નીતિના પગલે આજે વિશ્વના નકશામાં નોંધપાત્ર સ્થાને મુકાયો છે. પ્રવાસન હોય, ઓદ્યોગિક વિકાસ હોય કે પછી વિવિધ મહત્વકાંક્ષી રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ હોય તમામ ક્ષેત્રમાં કચ્છ જિલ્લો પ્રથમ પસંદગી બન્યો છે ત્યારે આ સરહદી કચ્છ જિલ્લામાં એવું મોડેલ ગામ આવેલું છે જે સમગ્ર દેશ અને રાજયના અન્ય ગ્રામ માટે વિકાસનો નવો રાહ ચીંધી રહ્યું છે.
ભીમાસરની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી
તાજેતરમાં ગુજરાત સરકારે અંજાર તાલુકાના 7000 હજારની વસતી ધરાવતા ભીમાસરની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરીને ભીમાસરની સિદ્ધીમાં વધુ એક મોરપંખ ઉમેરી દીધું છે. ભૂકંપની થપાટથી ભૂ ભેગુ થયેલું ભીમાસર આજે ગર્વીલા વીરલાની જેમ વિકાસની કેડી પર ચાલીને નમૂનારૂપ બન્યું છે.
વડાપ્રધાનશ્રીની વિચારધારાને સાકાર કરવા ગુજરાત સરકારના પ્રયાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આપેલા અર્બન કોન્સેપ્ટ ‘આત્મા ગામડાનો સુવિધા શહેરોની’ વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના (Smart Village) અંતર્ગત રાજય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારે (Government of Gujarat) રાજયના સમગ્ર ગામડાઓમાંથી 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ સ્માર્ટ વિલેજને (Smart Village) પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ પુરસ્કાર સ્વરૂપે મળશે. જે ગ્રામ પંચાયતના વિકાસ કામો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે.
સ્માર્ટ વિલેજનો સરકારનો હેતુ
આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામ માટે ગુડ ગવર્નન્સના મોડેલ ગામ અને ટૂરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એકશન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ છે. સ્માર્ટ વિલેજ યોજનામાં પસંદગીના જે ધોરણો નક્કી કરાયા છે, તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
શું છે સ્માર્ટ વિલેજના માપદંડ
સ્માર્ટ વિલેજ (Smart Village) પસંદગી માટેના 11 ધોરણો ગુજરાત સરકારે નિર્ધારીત કર્યા હતા. જેમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય કે ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસતી 2000 થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે. સ્માર્ટ વિલેજમાં પસંદગી પામેલા ગામોએ આ ૧૧ માપદંડો પરિપૂર્ણ કર્યા છે.
સરસ ગ્રામ વાટિકા / ગાર્ડન
- ફરજિયાત ડોર ટુ ડોર ક્લેકશન
- દરેક ઘરે પીવાના પાણીનું નળ ક્નેકશન
- પંચાયત વેરા વસુલાત
- રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય
- સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા
- ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ
- ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ
- ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા
- ગામમાં ગટર બનાવવી
- ગામતળમાં પાકા રસ્તા વગેરે આવરી લેવાયા છે.
ભીમાસર ગામ આ સુવિધાઓ થકી કચ્છનું સ્માર્ટ વિલેજ બની શકયું
ભીમાસરની વિકાસ ગાથા અંગે વાત કરતા ગામના મહિલા સરપંચશ્રી ડાહીબેન હરેશભાઇ હુંબલ જણાવે છે કે, ભુકંપ પહેલા અવિકસિત ભીમાસર ગામ ધરતીકંપની ઝપેટમાં આવી ગયા બાદ તેને સહારા ગ્રુપે દત્તક લઇને તેનું પુનવર્સન કર્યું . જે બાદ પંચાયતને સોંપ્યું ત્યારથી શરૂ થયેલી વિકાસની વણથંભી યાત્રા સરકારના સહયોગથી અવિરત ચાલુ જ છે. આજે ભીમાસર શહેરને ટક્કર મારે તેવી તમામ સુવિધાથી સજ્જ છે.
ગામમાં છે આ સુવિધાઓ
ગામમાં (1) 100 ઘર ઘર નળ યોજના (2) 100% ગટર યોજના (3) 100% ટકા પાકા રસ્તા (4) પ્રાથમિક શાળા ધો. 1 થી 8 (5) ઉચ્ચતર માધ્યમિક શાળા ધો. 9 થી 12 (6) 4 આંગણવાડી (7) પી.એચ.સી હોસ્પીટલ (8) એમ્બ્યુલન્સ (9) સરકારી પશુ ડોકટર (10) એનિમલ એમ્બયુલન્સ (11) બેંક સુવિધા તથા એટીએમ (12) પોસ્ટ ઓફિસ (13) ઇ-ગ્રામ સેન્ટર (14) લાઇબ્રેરી (15) ભારતમાતા નમન સ્થળ અને ગાર્ડન (16) નિલકંઠ પાર્ક તથા વોક-વે (17) સાર્વજનિક કોમ્યુનિટી હોલ (18) 8 સમાજ કોમ્યુનિટી હોલ (19) ખેડૂત સેવા સહકારી મંડળી (20) દૂધ ઉત્પાદક સહકારી મંડળી (21) સસ્તા અનાજની દુકાન (22) પંચાયત સ્ટાફ કવાટર્સ (23) પંચાયત શોપીંગ સેન્ટર (24) શિક્ષક કોલોની (25) ક્રિકેટ ગ્રાઉન્ડ (26) ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન ઇ-રિક્ષા (27) 8 ઓવરહેડ અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા (28) પીવાના પાણીનો સ્ત્રોત નર્મદા લાઇન (29) 30 એકર ગૌચર જમીનમાં ઘાસચારા પ્લોટ (30) ગૌચર જમીનને આર.સી.સી પીલર માર્કિંગ (31) સી.સી ટીવીથી નિગરાની (32) સાયરન સિસ્ટમ (33) તમામ શેરીઓમાં સાઉન્ડ સિસ્ટમ (34) તમામ ઘરોને નેમ પ્લેટ (35) ગટર સફાઇ માટે જેટીંગ મશીન (36) ઐતિહાસીક ચકાસર તળાવ (37) તળાવડીઓ -ચકાસી, ડેમાસરી, લુંભાસરી, ચાણાસરી, ભીમસરી, વ્રજ વગેરેમાં જળસંચયના કરાતા કાર્યો (38) પંચાયતઘર સોલાર સિસ્ટમથી સંચાલિત છે (39) બે પંચવટી તથા તેમાં આઉટડોર જીમનો સમાવશે થાય છે. (40) પર્યાવરણના રક્ષણ માટે પંચાયત દર વર્ષે ગૌચરમાં 1000 વૃક્ષોની વાવણી કરીને જતન કરે છે. (41) ગામના ગટરના પાણીનો ઉપયોગ થાય તે માટે ખેડૂતોને વેંચાણ કરવામાં આવે છે તેની આવક ગૌશાળામાં વપરાય છે. (42) મહિલાઓ માટે 3 સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર કાર્યરત છે.
ભીમાસર ગામને રાષ્ટ્રીય અને રાજયકક્ષાના મળેલા એવોર્ડ
- સમરસ પંચાયત એવોર્ડ - ગુજરાત સરકાર વર્ષ - 2006
- નિર્મળ ગ્રામ પુરસ્કાર - ભારત સરકાર વર્ષ -2008
- સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર - ભારત સરકાર વર્ષ -2011
- શ્રેષ્ઠ ગ્રામ પંચાયત - ગુજરાત સરકાર વર્ષ -2013
- મહિલા પાણી સમિતિ એવોર્ડ - ગુજરાત સરકાર વર્ષ -2014
- સ્વચ્છ ગ્રામ પુરસ્કાર - ગુજરાત સરકાર વર્ષ -2015
- સુશાસન પંચાયત - કચ્છ નવનિમાર્ણ અભિયાન વર્ષ -2018
- બેસ્ટ વી.સી.ઇ - નાયબ કલેકટર અંજાર વર્ષ -2018
- 100% કોવિડ રસીકરણ - ગુજરાત સરકાર વર્ષ -2021
- ગુજરાત પોષણ અભિયાન - કચ્છ જિલ્લા પંચાયત વર્ષ -2021
- પં.દિનદયાલ પંચાયતીરાજ સશક્તિકરણ રાષ્ટ્રીય એવોર્ડ વર્ષ -2022
ભીમાસરની મુલાકાત દેશ વિદેશના પ્રતિનિધી મંડળે લીધી છે
છેલ્લા બે દાયકાથી મોડેલ ગામ તરીકે પ્રખ્યાત થયેલા ભીમાસરની દેશ-વિદેશના અનેક મહાનુભાવો મુલાકાત લઇ ચૂકયા છે. નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત લઇ ચુક્યા છે, તો બાંગ્લાદેશનું પ્રતિનિધિ મંડળ, વિશ્વ બેંકના પ્રતિનિધીઓ તેમજ ભારતના જુદા જુદા રાજ્યોના મહાનુભાવો મુલાકાતે આવી ચુકયા છે.
અહેવાલ : કૌશિક છાયા, કચ્છ
આ પણ વાંચો : JUNAGADH જીલ્લાના સ્વતંત્રતા સેનાનીઓનું વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.