Chhota Udepur : મોટી કડાઈ PHC નાં મેડિકલ ઓફિસર સહિતનાં સહેલ સપાટીયા 6 કર્મીઓ સામે કાર્યવાહી
- છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં આવેલ મોટી કડાઈ પી.એચ.સીની ઘટના
- કવાંટ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષે ઓચિંતિ મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો!
- PHC માં એક પટાવાળા સિવાયનો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો
- પટાવાળાએ અનેક દર્દીઓને દવા આપી હોવાનો પણ ઘટસ્ફોટ થયો
- કુલ 6 કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપ્યો, ભવિષ્યમાં આવું ન થાય તે માટે નોટિસ
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં આવેલ મોટી કડાઈ પી.એચ.સીની મુલાકાત થોડા દિવસ પહેલા કવાંટ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવાએ લેતા પી.એસ.સીમાં એક પટાવાળા સિવાયનો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો, જેથી ઓછું હોય તેમ હાજર પટાવાળાએ અનેક દર્દીઓને દવા આપી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. આ ઘટનાનાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. આથી જિલ્લામાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : DNA મેચ બાદ તમામ નશ્વર માનવ અવશેષોની અંતિમ વિધિ સન્માનપૂર્વક સંપન્ન
આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા
આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા અને સ્પષ્ટપણે જિલ્લામાં આરોગ્ય સેવા ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવતા આરોગ્ય આલમમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે, આ તમામ બાબતની તપાસ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ ચલાવતા તેમાં તથ્યો બહાર આવ્યા હતા અને જેના આધારે મોડે મોડે પણ જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara Bridge Collapse : બ્રિજ તૂટી પડવા મામલે સરકારે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી
મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન સહિતનાં ગેરહાજર કુલ 6 સામે કાર્યવાહી
આ કાર્યવાહી હેઠળ એક મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન સહિતનાં ગેરહાજર કુલ 6 જેટલા કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપી અને ભવિષ્યમાં આવું ન બને તે માટે તાકીદે નોટિસ પાઠવી છે. ત્યારે આ સિવાય પણ જે ફરજ પર ગેરહાજર રહી સહેલ સપાટા કરવા ઈચ્છે છે તેમને પણ આરોગ્ય વિભાગે એક દાખલો બેસાડી અને સ્પષ્ટ શબ્દોમાં આવી ગંભીર બેદરકારી નહીં સાંખી લેવામાં આવે તેવો સંદેશ પાઠવ્યો છે. ત્યારે સવાલ તો એ પણ ઊભા થાય છે કે આ તો જાગૃત તેમ જ કારોબારી અધ્યક્ષની એક મુલાકાતમાં આવી એક પી.એચ.સીની બેદરકારી સામે આવી છે. ત્યારે અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવાની સ્થિતિ કેવી હશે તે બાબતે પણ વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવે તેવી માગ ઊઠી છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Sabarkantha : ચિઠોડા પંચાયતનાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કાગળોમાં અટવાઈ!