Chhota Udepur: બોડેલી ન્યાય મંદિર ખાતે બંધારણ દિવસની ભવ્ય ઉજવણી
- Chhota Udepur: બોડેલીમાં 'બંધારણ દિવસ'ની ઉજવણી
- ભારતના બંધારણના આમુખ (Preamble) નું વાંચન કરાયું
- બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઈ
- વકીલ મંડળ દ્વારા ફૂલહાર અર્પણ કરાયા
Chhota Udepur Constitution Day Celebration:છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ન્યાય મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બંધારણ દિવસ(Constitution Day)ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેને સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીમાં બોડેલી વકીલ મંડળ, ન્યાયિક અધિકારીઓ (જ્યુડિશિયલ ઓફિસર્સ) અને કાયદા સાથે સંકળાયેલા તમામ સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
સંવિધાનના આમુખનું વાંચન અને પ્રતિજ્ઞા
ગઈકાલે 26 નવેમ્બરે બંધારણ દિવસ(Constitution Day)ની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ બોડેલી ન્યાય મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ જ્યુડિશિયલ ઓફિસરો, વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા ભારતીય સંવિધાનના પવિત્ર આમુખ (Preamble)નું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. આમુખ વાંચન દ્વારા ભારતના દરેક નાગરિકોમાં બંધારણના મૂળભૂત મૂલ્યો, સિદ્ધાંતો અને ભાવનાને પુનઃજીવિત કરવાનો અને તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ
બોડેલી વકીલ મંડળે આ ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે અલીપુરા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના યોગદાનને યાદ કરીને વકીલ મંડળે બંધારણીય મૂલ્યો પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બંધારણ દિવસનું મહત્વ
ભારતમાં દર વર્ષે 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતીય બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ ભારતના બંધારણને સ્વીકારવામાં આવ્યું તેની યાદમાં ઉજવાય છે. જોકે, આ બંધારણનો અમલ બે મહિના પછી એટલે કે 26મી જાન્યુઆરી, 1950થી શરૂ થયો, જે દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા 19મી નવેમ્બર, 2015ના રોજ આ દિવસને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ દેશના નાગરિકોમાં બંધારણના મૂલ્યો અને મહાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ, અંગદાન થકી 713 વ્યક્તિને મળ્યું નવજીવન