Chhota Udepur: પાલિકાના નામે નકલી વેરા પાવતીનું મોટું કૌભાંડ, બોગસ દસ્તાવેજોના આધારે મેળવ્યા વીજ કનેક્શન
- Chhota Udepur માં નપાના નામે નકલી વેરા પાવતી કૌભાંડ
- વોર્ડ નં-3માં બોગસ પાવતીના આધારે 5 વીજ કનેક્શન લેવાયા
- ફરિયાદ મળ્યા બાદ MGVCL અને પાલિકા તંત્ર હરકતમાં
- તપાસમાં 5 પાવતીઓ નકલી હોવાની ચીફ ઓફિસરની પુષ્ટિ
- બોગસ દસ્તાવેજ બનાવનાર શખ્સો સામે પોલીસ ફરિયાદની તૈયારી
છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકાના વહીવટી તંત્રમાં નકલી દસ્તાવેજોના આધારે સરકારી સુવિધાઓ પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શહેરના વોર્ડ નંબર-3 માં મકાન માલિકો દ્વારા નગરપાલિકાની નકલી વેરા પાવતીઓ (Fake Tax Receipts) ઉભી કરી તેના આધારે વીજ કનેક્શન મેળવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Chhota Udepur: નકલી પાવતી બનાવતા કાર્યવાહી
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એમ.જી.વી.સી.એલ (MGVCL) ને આ અંગેની ગુપ્ત ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા જ વીજ કંપની અને નગરપાલિકાની ટીમો હરકતમાં આવી હતી અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ 5 જેટલી પાવતીઓ સંપૂર્ણપણે બોગસ હતી, જે પાલિકાના રેકોર્ડ પર અસ્તિત્વ ધરાવતી જ નથી.
પાલિકાના સિક્કા અને સહીનો દુરુપયોગ
છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર (Chief Officer) એ આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન પકડાયેલી પાવતીઓ નકલી સાબિત થઈ છે. કૌભાંડીઓએ ટેક્સ ભર્યા વગર જ પાલિકાના સિક્કા અને સહીનો દુરુપયોગ કરી આ પાવતીઓ બનાવી હોવાની આશંકા છે. હાલ પાલિકા દ્વારા તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ બોગસ દસ્તાવેજો બનાવનાર મકાન માલિકો અને તેમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડના તાર પાલિકાના કોઈ અંદરના કર્મચારી સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો: Molestation Case Surat: સુરતમાં છેડતી કરનારની જાહેરમાં ધોલાઈ, રણચંડી બનેલી નારીઓનો વીડિયો વાયરલ


