Chhota Udepur : 4 કરોડ જેટલી માતબર રકમથી તૈયાર થયેલ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થતા કલેક્ટરે દોડાદોડ કરવી પડી
- 4 કરોડ જેટલી માતબર રકમથી તૈયાર થયેલ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત
- ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન પર ભુવા પડી ગયા છે
- જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો
- વિરોધ પક્ષના માજી નેતા સુખરામભાઈ રાઠવાએ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી
Chhota Udepur : જિલ્લાના પાવી જેતપુર (Pavi Jetpur) તાલુકાના નેશનલ હાઈવે નંબર 56 પર સિહોદ પાસે ભારજ નદીનો પુલ જર્જરિત થતા એક વહીવટી તંત્ર દ્વારા 4 કરોડ રુપિયાના ખર્ચે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો. જો કે તાજેતરમાં થયેલા વરસાદમાં આ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થતા વહીવટી તંત્રની કામગીરી પર જનતા સવાલ ઉઠાવી રહી છે. આજે વહેલી સવારથી જ ભારજ નદી (Bharaj River) માં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન પર ભુવા પડી ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ દોડાદોડ કરવી પડી છે. જિલ્લા કલેકટરે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
25 કિલોમીટરનો ધરમધક્કો
જુલાઈ 2023માં છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ પાવી જેતપુર તાલુકાના સિહોદ ગામ પાસે ભારજ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો. તંત્ર દ્વારા સતર્કતા ના ભાગરૂપે તેના ઉપરથી ટ્રાફિક અવરજવર બંધ કરવામાં આવ્યો હતો. જેને લીધે વડોદરા તરફ જતા વાહન ચાલકોને 20 - 25 કિલોમીટરનો ફેરો વધ્યો હતો. જેથી જેની સીધી અસર જિલ્લાના ટ્રાન્સપોર્ટ સહિત અનેક વેપાર પર થઈ હતી. પ્રજાને રાહત આપવા માટે તંત્ર દ્વારા જૂન 2024 માં રૂપિયા 2 કરોડના માતબર ખર્ચે આ રુટ પર એક ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ ડાયવર્ઝનની નબળી ગુણવત્તાને લીધે તે લાંબો સમય ટકી શક્યો નહીં અને પ્રજાને થતી રાહત ટૂંક સમયની બની રહી.
4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયો
જૂન 2024 માં રૂપિયા 2 કરોડના માતબર ખર્ચે આ રુટ પર તૈયાર કરવામાં આવેલ ડાયવર્ઝન તૂટી જતાં તંત્રએ 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન તૈયાર કર્યો હતો. જો કે 4 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે તૈયાર થયેલા આ ડાયવર્ઝનની ગુણવત્તાને લઈને તે સમયે પણ પ્રશ્નો તો ઉઠ્યા જ હતા. જેના જવાબમાં તંત્ર દ્વારા હૈયાધારણ આપવામાં આવી હતી. પ્રજા માટે આ હૈયાધારણ ઠગારી નીવડી છે. આજે વહેલી સવારે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન ઉપર ભુવા પડી ગયા છે.
આ પણ વાંચોઃ VADODARA : પાલિકાના અધિકારીઓને ફિલ્ડમાં જવા ધારાસભ્યની કડક ટકોર
કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ
ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 કરોડ જેટલી માતબર રકમથી તૈયાર કરવામાં આવેલ ડાયવર્ઝન ઉપર ભુવા પડી ગયા છે. આ ઘટનાના સમાચાર મળતાં જ વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ ડાયવર્ઝન પર થી ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર ખુદ ઘટનાસ્થળે દોડી આવ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ ઉપરાંત વિરોધ પક્ષના માજી નેતા સુખરામભાઈ રાઠવા (Sukhrambhai Rathawa) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. તેમણે ગુણવત્તા વિહીન કામગીરી સામે સવાલો ઊભા કરી સદર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ પણ કરી છે.
આ પણ વાંચોઃ Rajkot : CCTVની બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ, રિક્ષા લઈને બેટરી ચોરવા નીકળતી હતી ટોળકી
અહેવાલઃ તોફિક શેખ, છોટા ઉદેપુર....