ChhotaUdepur માં પાણીજન્ય રોગોનો કાળો કેર! દૂષિત પાણીથી નગરજનો પર આરોગ્ય સંકટ
- ChhotaUdepur માં પાણીજન્ય રોગોનો કાળો કેર
- દૂષિત પાણીથી નગરજનો પર આરોગ્ય સંકટ
- ઓરસંગ નદીમાં ગંદકી! લોકો દૂષિત પાણી પીવા મજબૂર
- સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા દર્દીઓએ ઊભી કરી ચિંતા
- છોટાઉદેપુરમાં કમળાના કેસોમાં ભયજનક વધારો
- નગરપાલિકાની બેદરકારીથી આરોગ્ય પર સંકટના વાદળો!
Waterborne diseases wreak havoc in ChhotaUdepur : છોટાઉદેપુર નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. લગભગ 35 હજાર નગરજનોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો જાણે આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે.
સ્વચ્છતાનો અભાવ અને દૂષિત પાણીનું જોડાણ
નગરની આસપાસ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રોગો ફેલાવવાનું પ્રાથમિક કારણ એ છે કે ડ્રેનેજ લાઇનમાં જ પીવાના પાણીની લાઇનો પસાર થઈ રહી છે, જેના કારણે દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. વળી અહીં વધુ ચોંકાવનારી બાબત એ છે કે આખા નગરના ગંદા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી, આ બધું દૂષિત પાણી છોટાઉદેપુર (ChhotaUdepur) નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં ઠાલવવામાં આવે છે. નગરજનોના જણાવ્યા અનુસાર, આ જ ગંદુ અને દૂષિત પાણી નદીમાં બનાવેલા વોટર વર્ક્સના કૂવા નજીકથી પસાર થાય છે અને સીધું સંપના કૂવા મારફતે ફિલ્ટર થયા વિના લોકોના ઘરોમાં પહોંચી રહ્યું છે.
Chhotaudepur માં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિષ્ફળતા
ઓરસંગ નદીના કિનારે 4-5 વર્ષ પહેલાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) નાખવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકા પાસે આ પ્લાન્ટ હોવા છતાં તે નગરના અડધા ભાગને પણ શુદ્ધ પાણી પૂરું પાડી શકે તેટલો સક્ષમ નથી તેમ માનવામાં આવે છે. ઉપરાંત, આ પ્લાન્ટ નિયમિતપણે ચાલતો પણ નથી. નગરજનોનો એક મુખ્ય આરોપ એ પણ છે કે ભૂગર્ભ ગટર લાઇન યોજના સદંતર નિષ્ફળ રહી છે. કવાંટ બ્રિજ પાસે લોકોના કનેક્શનવાળી ગટર લાઇન તૂટેલી હાલતમાં છે, અને તેનું ગંદુ પાણી સીધું નદીમાં વહીને પાલિકાના વોટર વર્ક્સના પાણીમાં ભળી જાય છે, જેના કારણે નગરજનો આ જ દૂષિત પાણી પીવા મજબૂર છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો
નગરમાં દિવસેને દિવસે કમળા (Jaundice) ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ રોગનું કારણ દૂષિત પાણી પીવાનું અથવા દૂષિત ખોરાક આરોગવાનું જણાવ્યું છે. આ ચેપી રોગ હોવાથી ડોક્ટરોએ નગરના લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
તાત્કાલિક પગલાં લેવાની જરૂર
ઓરસંગ નદીમાં દૂષિત પાણી ઠલવાતાં નદી તો પ્રદૂષિત થાય છે જ, પરંતુ સાથે સાથે લોકોનું આરોગ્ય પણ જોખમાય રહ્યું છે. જો નગરપાલિકાના સત્તાધીશો સમયસર નહીં જાગે અને સ્વચ્છતા તથા શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં ભરે, તો આવનારા સમયમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવે તેમાં કોઈ નવાઈ નહીં.
અહેવાલ - સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચો : Chhotaudepur : બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ જ બીમાર!


