Navsari ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
- દાંડી નમક સત્યાગ્રહના કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થયું
- ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્વભરના લોકો મુલાકાત લે છે
- આ પેઢી 2047 ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે
Navsari: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નવસારી પ્રવાસ દરમિયાન જલાલપોર તાલુકામાં કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં વિશેષ સહભાગી થયા હતા. ઉપસ્થિત સૌને વસંત પંચમીની શુભકામનાઓ પાઠવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા સરસ્વતીની આરાધના કેન્દ્ર એવા કરાડી ગામની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવ સહભાગી થવાની તકને ગૌરવશાળી ગણાવી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2025 નું વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, સ્વ. અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ, બંધારણના અમૃત મહોત્સવની ઉજવણી કરવાના છીએ, ત્યારે દેશની સ્વતંત્રતાના ભવ્ય ઇતિહાસના ગૌરવને ઉજાગર કરતી કરાડીની આ રાષ્ટ્રીય શાળાનો શતાબ્દી મહોત્સવ પણ આ વર્ષે ઉજવાય રહ્યો છે, તે સુભગ સંયોગ છે.
કરાડી ગામ સ્વતંત્રતા સંગ્રામનો એક મહત્વપૂર્ણ પડાવ છેઃ મુખ્યમંત્રી
'નમક સત્યાગ્રહ' માટે દાંડીની પસંદગીમાં કરાડી ગામના ચાવીરૂપ ફાળાની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કરાડી ગામ સ્વતંત્રતા સંગ્રામનો એક મહત્વપૂર્ણ પડાવ છે અને આપણી આગવી વિરાસત છે. બ્રિટિશરોના હાજા ગગડાવી નાખનાર દાંડી નમક સત્યાગ્રહના કારણે આ ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. મહાત્મા ગાંધીજી એ સાબરમતી આશ્રમથી આરંભેલી દાંડી કૂચનો છેલ્લો પડાવ આ ગામ હતું તેમ કહીને પટેલે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ કરાડીમાં ઝૂંપડા (બાપુની ઝૂંપડી)માં રહીને નમક સત્યાગ્રહની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. જ્યારે બ્રિટિશ સરકારની પોલીસે તેમની ધરપકડ કરી ત્યારે બાપુએ કરાડીને પોતાનું કાયમી સરનામું હોવાનું કહ્યું હતું.
કરાડી ગામમાં આવવું એ એક રોમાંચક સંભારણુંઃ મુખ્યમંત્રી
પૂજ્ય બાપુના ઐતિહાસિક નમક સત્યાગ્રહનો વારસો સાચવીને વસેલા આ કરાડી ગામમાં આવવું એ એક રોમાંચક સંભારણું છે, તેમ મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આઝાદીના અમૃતકાળમાં આપણને વિવિધ સંકલ્પો આપ્યા છે, એ પૈકી તેમણે ગુલામીની માનસિકતા દૂર કરીને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ લેવાની પ્રેરણા આપી છે. દેશના ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્વભરના લોકો મુલાકાત લે અને તેનો ગૌરવ કરે તે માટે તેમણે દાંડી મેમોરિયલનો વિકાસ કર્યો હોવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 'વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્રને સિદ્ધ કરવા ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે, તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આ સંસ્થા પાસે ‘ગાંધી અને શિક્ષણ’નો ભવ્ય ઈતિહાસ છે અને વિકસિત ભારતનો દિવ્ય સંકલ્પ પણ છે, તેમ કહી પટેલે કરાડીની રાષ્ટ્રીય શાળાને સ્વાતંત્ર્ય સેનાનીઓનું કેન્દ્ર ગણાવી હતી.
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આપણા ઈતિહાસને સાચવીને અને સમય સાથે કદમ મિલાવીને શિક્ષણમાં આધુનિક આયામો અપનાવ્યા છે. આ શાળા પણ આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની નવીનતમ ટેક્નોલોજીથી સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, ત્યારે આ ઐતિહાસિક શાળાના આજના વિદ્યાર્થીઓ ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે વર્ષ-2047 માં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવસહ કહ્યું હતું.
આ પણ વાંચો: Gujarat: કાયદાકીય હકો પ્રત્યે જાગૃત કરવા મોબાઈલ અવેરનેસ બસ તૈયાર કરાઈ
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કરાડી શાળાના શતાબ્દી વર્ષ પૂર્ણ કરતા શાળા સાથે સંકળાયેલા દાતાઓ અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને જલાલપોરના કાંઠા વિસ્તારમાં શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ કરેલા યોગદાનને બિરદાવ્યા હતા. અને શાળાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક વારસાને સાચવીને વિકસિત ભારતના સંકલ્પમાં શાળાના બાળકો વધુમાં વધુમાં સંકલ્પબદ્ધ થાય તે માટે શાળાને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ, કરી આ જાહેરાત
નવસારી જિલ્લામાં સૌથી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયા
કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે ધનસંચયની જેમ જળસંચયની મીઠી ટકોર કરી સ્વચ્છતા, શુદ્ધ પાણી, આંતરમાળખાકીય સુવિધાઓના વિષયોને પોતાના ઉદ્બોધનમાં આવરી લીધા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત્ વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત થશે, પરંતુ આજના સમયમાં પીવા અને પિયત માટે પાણીની અછતની સમસ્યાને દૂર કરી શકીશું, ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ પહેલ દ્વારા વરસાદનું વહેતું પાણી ભૂગર્ભમાં સંગ્રહિત થશે, જેના પરિણામે પાણીના સ્તર ઉંચા આવશે અને ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા મદદરૂપ થશે વધુમાં તેમણે જણાવ્યું કે , નવસારીના સર્વાંગી વિકાસ માટે તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ તત્પર છે, તેમ જણાવી પાટીલે માળખાકીય સુવિધાઓના વિસ્તરણ પર ભાર આપ્યો હતો.
આ પણ વાંચો: ‘ગરીબ, યુવા અને ખેડૂતોને ગતિ આપનારૂ બજેટ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
શાળાના ભવ્ય ઈતિહાસ, સિદ્ધિઓ અને યશગાથાઓની વાત કરી
જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલે સ્વાગત પ્રવચનમાં પોતાના કરાડી ગામ પ્રત્યેના સંસ્મરણો વાગોળ્યા હતાં. તેમણે કરાડી રાષ્ટ્રીય શાળાના ભવ્ય ઈતિહાસ, સિદ્ધિઓ અને યશગાથાઓની વાત કરી હતી. આ સાથે જ જલાલપોરના વિકાસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આદરપૂર્વક અવગત કરાવ્યા હતા. કાંઠા વિસ્તારના ગામોના રસ્તાઓ, પીવાના પાણી તેમજ આંતરમાળખાકીય સહિતની સુવિધાઓનું વર્ણન કરીને તેમણે કાંઠા વિસ્તારના યુવાઓની રમત-ગમત પ્રત્યે રૂચિ, સિદ્ધિઓ અને પ્રતિબદ્ધતા જણાવી હતી. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ભારત વિદ્યાલયની ભવ્ય વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું. કરાડીની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, અગ્રણી ભૂરાભાઈ શાહ, આયોજક પ્રતિનિધિ બાબુભાઈ રામા, દાતાઓ, કેળવણી મંડળના સભ્યો, સમાજસેવકો, શાળાના આચાર્ય સહિતનૌ શૈક્ષણિક સ્ટાફ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો