Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat :મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા

રસ્તાની દુરસ્તી કામગીરી પ્રો-એક્ટિવ અભિગમથી ત્વરાએ કરવા તાકીદ
gujarat  મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો પુલોના મરામત કામોની સઘન સમીક્ષા
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે કરી
    ---------------
  • મુખ્યમંત્રીશ્રીએ રસ્તાની દુરસ્તી કામગીરી પ્રો-એક્ટિવ અભિગમથી ત્વરાએ કરીને નાગરિકોની રજૂઆતોનું નિવારણ અગ્રતાએ લાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.
    ---------------
  • મરામત કામોની સાઈટ વિઝિટ કરીને કામગીરીની ક્વોલિટી ચકાસવા મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો
    -------

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે.

તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામતોના કામોની સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે હાથ ધરી હતી.

Advertisement

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ.

Advertisement

તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી-Road repair work અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહનવ્યવહાર યોગ્ય થાય એટલું જ નહિં, નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઈજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે, નાની-નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે. તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે.

નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી નિરાકરણ 

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, માર્ગ-મકાન વિભાગના 24X7 કંટ્રોલરૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાઓની મોબાઇલ એપ છે તે એપ, વોટ્સએપ, વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે.

નાગરિકોની ફરિયાદના ત્વરિત નિવારણ માટે શહેરી ક્ષેત્રોમાં જે મિકેનિઝમ કાર્યરત છે તે અન્વયે મહાનગરોમાં નાગરિકોની મળેલી ૧૫,૪૨૪ ફરિયાદોમાંથી ૧૨,૦૨૩નો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે તેની વિગતો શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી થેન્નારસને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઇ-નગર પોર્ટલ પર આવતી રજૂઆતોના સંદર્ભમાં નિયમિત ફોલોઅપ અને ફિલ્ડ ચેક માટે નિષ્ણાંત એજન્સીની મદદથી નિવારણ લાવવા પણ સૂચનો કર્યા હતાં.

3,૬૩૨ ફરિયાદોમાંથી ૯૯.૬૬ ટકાનું નિવારણ લાવી દેવાયું

માર્ગ-મકાન વિભાગે કાર્યરત કરેલી ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર મળેલી ૩,૬૩૨ ફરિયાદોમાંથી ૯૯.૬૬ ટકાનું નિવારણ લાવી દેવાયું છે. આ વિગતો માર્ગ મકાન સચિવ શ્રી પટેલિયાએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળના પ્રયત્નો અને બહોળી પ્રસિધ્ધી તેમજ નાગરીકોના હકારાત્મક પ્રતિસાદના કારણે છેલ્લા ૩ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦૭૬૭થી વધીને ૨૮૪૪૯ થયો છે. આમ, નવા ૧૭૬૮૨ નાગરિકો (૧૬૪% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. રાજય સરકાર આ એપ્લિકેશનનો લોકો લાભ લઈ શકે તે માટે સતત પ્રચાર અને પ્રસાર કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જે મરામત કામો હાથ ધરાય તેનું સતત મોનિટરિંગ અધિકારીઓ, સંબંધિત મહાનગરો તથા જિલ્લા તંત્રવાહકો દ્વારા ફિલ્ડ વિઝીટ કરીને થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.

માર્ગ-મકાન વિભાગે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જે પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે તેના સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી થાય અને મરામત કામમાં ક્વોલિટી જળવાય તેની ખાતરી કરવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરી

આ ઉપરાંત, રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

આવા પુલો પરના વાહનવ્યવહારને જો ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તો વૈકલ્પિક રૂટ પણ સેઈફ એન્ડ સિક્યોર હોય અને વાહનોની અવર-જવરને કારણે ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ ચકાસી લેવા શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૌ અધિકારીઓને એવી પણ તાકીદ કરી હતી કે મરામત કામ સતત ચાલતું રહે અને નાગરિક જીવનમાં કોઈ અગવડ ન પડે તે જ આપણો ધ્યેય છે. આ હેતુસર વરસાદ ન હોય તેવા બધા જ દિવસોએ વધારાનો મેનપાવર કામે લગાડીને પણ માર્ગો-પુલો ઝડપથી પૂર્વવત અને મોટરેબલ બનાવવાના કાર્ય આયોજનને પ્રાયોરિટી આપવા તેમણે જણાવ્યું હતું.

દરેક જિલ્લા, નગરો-મહાનગરો રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગનું  સંકલન

મુખ્યમંત્રીશ્રીએ રીપેરીંગ કામો માટેનું પૂરતું મટીરીયલ કપચી, ડામર, મશીનરી અને વ્હાઈટ ટોપિંગ માટેની વ્યવસ્થાઓ દરેક જિલ્લા, નગરો-મહાનગરો રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના સંકલનમાં રહીને યોગ્ય પદ્ધતિએ કરે તેવું માર્ગદર્શન પણ આપ્યું હતું.

તેમણે ખાસ કરીને નેશનલ હાઇવેના જે પુલો-માર્ગો ક્ષતિગ્રસ્ત થવાથી આંતરરાજ્ય વાહન વ્યવહારને અસર પડી છે તેવા માર્ગો ઝડપથી મરામત કરીને પૂર્વવત કરવા એન.એચ.એ.આઇ.ના ફિલ્ડ ઓફિસરોને સૂચનાઓ આપી હતી.

એન.એચ.એ.આઈ.ના અધિકારીઓએ જણાવ્યું કે, તેમના હસ્તકના જે ૩૩.૭૮ કિ.મી.ના માર્ગોની મરામતનું કામ હાલ ચાલી રહ્યું છે તે 3૦મી જુલાઈ સુધીમાં પૂરું કરી દેવાશે.

તેમણે ભારત સરકારે નેશનલ હાઈવેને સ્પર્શતી રજૂઆતો અને સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ ડિઝાઇન કરવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રવાસ કરતા લોકો તાત્કાલિક સ્થિતિ, માર્ગમાં ખામી કે પછી અન્ય સેવા સંબંધિત સમસ્યા જણાય તો તરત જ સંપર્ક કરી શકે તે માટે 24x7 સેવારત ટોલ-ફ્રી નંબર ૧૦૩૩ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ

મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં માર્ગ-મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો, રિજીયોનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો પેચ વર્ક અને પોટ હોલ્સ પુરવાની કામગીરી સહિતની મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ સ્થળ પર જઈને કરે છે તે સંદર્ભમાં પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને માર્ગોનું જે કુલ નેટવર્ક છે તેમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૪૭ ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ ૬૩%થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ ડૉ. વિક્રમ પાંડે તથા માર્ગ મકાન સચિવ શ્રી પટેલિયા અને સંબંધીત અધિકારીઓ ગાંધીનગરથી તથા જિલ્લા વહીવટી તંત્ર, નગરો-મહાનગરોના સ્થાનિક સત્તા તંત્રના વાહકો વિડિયો કોન્ફરન્સથી આ સમીક્ષામાં જોડાયા હતા અને પોતાના વિસ્તારોની કામગીરીની વિગતો પૂરી પાડી હતી.

આ પણ વાંચો: Junagadh : આજક-આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો, માર્ગ અને મકાન વિભાગે કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×