Asiatic Lion :16 મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની મુખ્યમંત્રીશ્રી દ્વારા ગૌરવપૂર્ણ જાહેરાત
- Asiatic Lion એશિયાટિક લાયન - ગીરની શાન સાવજની સંખ્યા ૮૯૧ થઈ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) ૧૬મી સિંહ વસ્તી અંદાજ(16th Lion Population Estimate)ના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી
- ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૩૫ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન - બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ ધરાઈ સિંહ વસ્તી ગણતરી.
- સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો - ગ્રામજનો - અગ્રણીઓ અને વન કર્મીઓ મળીને કુલ ૩૮૫૪ માનવબળ કામગીરીમાં જોડાયું.
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાયન (Project Lion)માં લાયન હેબિટાટ અને વસ્તી પ્રબંધન - વન્ય પ્રાણી આરોગ્ય માવજત - સ્થાનિક લોક સહભાગિતા - વૈજ્ઞાનિક સંશોધન - તાલીમ ઇકોડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ આવરી લેવામાં આવ્યા
Asiatic Lion: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા ૮૯૧ સિહોની સંખ્યા આ ૧૬મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન Direct Bit Verification એટલે કે બ્લોક કાઉન્ટ (Block Count) પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮૫૪નું માનવ બળ આ 16th Lion Population Estimate કામગીરીમાં જોડાયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી મુળુભાઈ બેરા(Mulubhai Bera), રાજ્ય મંત્રી મુકેશ પટેલ(Mukesh Patel), મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી.
તેમણે કહ્યું કે, 'વડાપ્રધાનશ્રીએ ૭૪માં સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.'
સિંહ જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
વન્ય પ્રાણી સંરક્ષણના સરકારનો કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમ
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે ઉમેર્યું કે, ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
તેમણે આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.
સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો ઉપયોગ
આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાયન ટ્રેકિંગ કર્યુ છે તેની વિગતો આપી હતી.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Asiatic Lion Census : ગુજરાત સિંહોની સંખ્યા 891 થતાં પરિમલ નથવાણીએ સરકારી અભિયાનોની કરી પ્રશંસા