ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જનસામાન્યનાં પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા CM Bhupendra Patel

જનસામાન્યનાં પ્રસંગમાં સરકારી કાર્યક્રમ વિઘ્ન ઊભું ન કરે તે માટે 'દાદા' નો પિતાતુલ્ય અને લોકભિમુખ અભિગમ
10:25 PM Jan 25, 2025 IST | Vipul Sen
જનસામાન્યનાં પ્રસંગમાં સરકારી કાર્યક્રમ વિઘ્ન ઊભું ન કરે તે માટે 'દાદા' નો પિતાતુલ્ય અને લોકભિમુખ અભિગમ
CM_Gujarat_first
  1. CM Bhupendra Patel વિનમ્રભાવે હેમંતભાઇ ચૌહાણને રૂબરૂ મળ્યા
  2. જનસામાન્યનાં પ્રસંગમાં સરકારી કાર્યક્રમ વિઘ્ન ઊભું ન કરે તે માટે 'દાદા' નો પિતાતુલ્ય અને લોકભિમુખ અભિગમ
  3. પોતાના ઘરનાં પ્રસંગને સાચવનારા મુખ્યમંત્રી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતું ચૌહાણ પરિવાર

કોઈક સરકારી કાર્યક્રમ, જનસામાન્યનાં પૂર્વનિર્ધારિત પ્રસંગને વિપરિત અસર ન કરે તેની કાળજી લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) એક વડીલ તુલ્ય વાત્સલ્ય સાથે, લગ્ન પ્રસંગની તૈયારીમાં વ્યસ્ત એક પરિવારનાં પ્રસંગને સાચવી લઈ, 'દાદા' ના હુલામણા નામને ચરિતાર્થ કર્યું છે.

આ પણ વાંચો -Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે

વાત છે વ્યારાનાં હેમંતભાઇ ચૌહાણને ત્યા અંદાજિત સાતેક માસ અગાઉથી નિર્ધારિત એક પ્રસંગની. પોતાની સાળીનાં દીકરાનો લગ્ન પ્રસંગ ગોઠવાયો હતો. આ કાર્યક્રમનાં અનુસંધાને તારીખ 18 મી જાન્યુઆરીએ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય-વ્યારાનાં ગ્રાઉન્ડ ઉપર, સંગીત અને ભોજન સમારંભનો કાર્યક્રમ નિર્ધારિત થઈ ચૂક્યો હતો. ઘરનો લગ્ન પ્રસંગ હોય એટલે ગણી ગણાય નહીં તેટલી જવાબદારીઓ અને તૈયારીઓનો પાર નહિ. 3 મહિના અગાઉથી કુટુંબજનો સહિત સગા-સંબંધીઓને પણ કંકોત્રીઓનું વિતરણ શરૂ થઇ ચૂક્યું હતું. તેવામાં ડિસેમ્બર માસનાં એક દિવસે હેમંતભાઇ અને તેના પરિવારજનોને, તાપી જિલ્લામાં યોજાનારા રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિન કાર્યક્રમ અને તેને લઈને દક્ષિણાપથ ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમની જાણકારી મળી.

આમ જોઇએ તો, બન્ને કાર્યક્રમો વચ્ચે ખાસ્સા એવા દિવસોનું અંતર હતુ. પરંતુ, રાજ્ય સ્તરનાં કાર્યક્રમને લઈને જિલ્લા તંત્રની તડામાર તૈયારીઓ જોઇ, ચૌહાણ પરિવારને ચિંતા પેઠી. પૂછપરછ કરતા હેમંતભાઇ અને તેમના પરિવારને પોતિકા પ્રસંગની જગ્યા બદલવી પડે તેવી આશંકા થવા લાગી. પરંતુ, હેમંતભાઇએ (Hemantbhai Chauhan) ધીરજ ધરીને, મૃદુ પણ નિર્ધારમાં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પોતાનાં આંગણે આવેલી સમસ્યાથી અવગત કરાવવાનુ નક્કી કર્યું અને મુખ્યમંત્રીને સંબોધીને એક પ્રાર્થના સંદેશ લખી પણ કાઢ્યો, જેમાં તેમણે પોતાની આપવિતી જણાવી. તેમને જો સ્થળ બદલવાનું થાય, તો તેઓનાં પ્રસંગમાં વિઘ્ન સર્જાવા સાથે, તેમના પરિવારને ભારે આર્થિક ફટકો પણ વેઠવો પડશે અને સગા-સંબંધીઓએ પણ પરેશાની ભોગવવાનો વારો આવશે તેવી જાણકારી આપી. સાથે માત્ર 4/5 કલાકનો જ આ પ્રસંગ હોવાથી સ્થળ બદલવું ન પડે તે માટે વિનંતી પણ કરી.

આ પણ વાંચો -Jamnagar : પ્રજાસત્તાક પર્વ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીનો ખાસ સંદેશ, વ્યક્ત કરી ચિંતા!

સ્પીડ પોસ્ટથી મોકલવામા આવેલી આ અરજી 1 લી જાન્યુઆરીએ ડિલિવર થઇ અને 2 જી જાન્યુઆરીએ તો હેમંતભાઇનો ફોન રણક્યો. આ કોઇ સામાન્ય ફોન કોલ્સ ન હતો. આ તો સી.એમ. કાર્યાલયમાંથી આવેલો ફોન હતો. મુખ્યમંત્રીના પી.આર.ઓ. એ હેમંતભાઇ સાથે ઔપચારિક વાતચીત કરી અને ફોન મુખ્યમંત્રીને આપ્યો. હેમંતભાઇ અને તેનો પરિવાર કંઈ વધુ સમજે, વિચારે તે પહેલા તો ખુદ મુખ્યમંત્રીએ સમગ્ર હકીકત જાણી-સમજી, દીકરાનાં લગ્નમાં કોઇ વિઘ્ન નહીં આવે તેની ખાત્રી અને નવદંપતિને એડવાન્સમાં શુભકામના અને આશીર્વાદ પણ આપી દીધા અને પોતે સ્વયં સ્થાનિક જિલ્લા તંત્રને આ અંગેની જાણકારી આપી પરવાનગી આપશે તેવો વિશ્વાસ આપ્યો.

મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ નિર્ધાર સાથે હટકે નિર્ણયો લેવા માટે જાણીતા છે તે વાતની પુષ્ટિ હેમંતભાઇ અને તેમના પરિવારને આ ફોન પરથી થઇ ગઇ. ગણતરીની મિનિટોમાં જ હેમંતભાઇનો ફોન ફરી રણક્યો. આ વખતે તાપી જિલ્લા (Tapi) વહીવટી તંત્રનાં એક ઉચ્ચ અધિકારીનો ફોન હતો, જેમણે હેમંતભાઇને તેમના તારીખ 18 મીનાં લગ્ન પ્રસંગ આડે કોઈ વિઘ્ન નહીં આવે તેમ જણાવી, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયનાં ગ્રાઉન્ડનો તેઓ નિર્વિઘ્ને ઉપયોગ કરી શકે છે તેમ કહ્યું. હેમંતભાઇ અને તેમના પરિવારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો. મુખ્યમંત્રીએ એક સામાન્ય માણસનાં પ્રશ્નનો ઉકેલ લાવવા પોતાનાં વ્યસ્ત સમયમાંથી ખાસ સમય કાઢી, લગભગ 3 થી 4 મિનિટ તેમની વાત/અરજ સાંભળી, અને તેમની સમસ્યાનો હકારાત્મક નિકાલ પણ લાવ્યા, આ વાત જ નોખી અને અનોખી છે.

મુખ્યમંત્રીનાં આ એક લોકાભિમુખ નિર્ણયને કારણે કોઇ પણ વિઘ્ન વિના હેમંતભાઇનો પ્રસંગ સચવાઇ ગયો. હેમંતભાઇ અને તેમના પરિવારજનોએ, વ્યારા (Vyara) નગરનાં સર્કિટ હાઉસ ખાતે પધારેલા મુખ્યમંત્રીને રૂબરૂ મળી, તેઓનાં આ હકારાત્મક વલણ માટે આભાર વ્યક્ત કરી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. આમ સંવેદનશીલતા, મૃદુતા, અને મક્કમતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તાપી જિલ્લામા પુરૂં પાડી, 'દાદા' ના હુલામણા નામને સાર્થક કર્યું છે.

અહેવાલ : વૈશાલી પરમાર

આ પણ વાંચો - Jamnagar : પ્રજાસત્તાક પર્વ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીનો ખાસ સંદેશ, વ્યક્ત કરી ચિંતા!

Tags :
Breaking News In GujaratiCM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHemantbhai ChauhanLatest News In GujaratiNews In GujaratiTapiVyara
Next Article