Commonwealth Games 2030: કચ્છ બન્યું સજ્જ
- Commonwealth Games 2030 : કોમનવેલ્થ ગેમ્સ 2030 ની તૈયારીઓ વચ્ચે કચ્છના 9 તાલુકામાં 105 રમત-ગમતના મેદાનો નીમ કરવાનો ઐતિહાસિક નિર્ણય. નવી પેઢીને રમતો તરફ આકર્ષવા માટેની કચ્છ કલેક્ટર આનંદ પટેલની પ્રેરણાદાયી પહેલ.
Commonwealth Games 2030: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Modi) દ્વારા સ્થાનિક સ્તરે ખેલપ્રતિભાઓની શોધ અને રમત-ગમતની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇંડિયા-Khelo India યુથ ગેમ્સની શરૂઆત કરાઇ છે. તે જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ખેલપ્રતિભાઓના વિશિષ્ટ કૌશલ્યને વિકસાવવા અને ઉત્તેજન આપવા વિવિધ સ્તરે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ બંને આયોજનથી અનેક પ્રતિભાવાન ખેલાડીઓ દેશ અને રાજ્યને પ્રાપ્ત થયા છે. તેમજ આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
Commonwealth Games 2030: કચ્છ કલેક્ટર આનંદ પટેલનો ઐતિહાસિક નિર્ણય
આગામી સમયમાં જ્યારે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ વર્ષ 2030ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે. નવી પેઢીને મોબાઇલના વળગણમાંથી બહાર કાઢી ગામના મેદાનો ગજવતા કરવા કચ્છ કલેક્ટર આનંદ પટેલે સમગ્ર રાજ્યને પ્રેરણા આપે તેવો ઐતિહાસિક નિર્ણય લીધો છે. કચ્છના બાળકોને અનોખી ભેટ સમાન આ નિર્ણયમાં ગુજરાતમાં સૌ પ્રથમ મહેસુલી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાએ રમત-ગમતના મેદાનો નીમ કરવાની કામગીરી કરાઇ છે.
Commonwealth Games 2030: "મોબાઇલથી મેદાન તરફ"ની પહેલ
આજના ડિજિટલ યુગમાં બાળકોનું બાળપણ મોટાભાગે મોબાઇલ અને સ્ક્રીન સુધી મર્યાદિત થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં બાળકોને ફરીથી મેદાન તરફ આકર્ષવા માટે રમત-ગમતના પૂરતા માળખાની ઉપલબ્ધતા અત્યંત આવશ્યક છે. આ વિચારને સાકાર કરવા માટે કચ્છ જિલ્લામાં પડતર પડેલી સરકારી જમીનોની ઓળખ કરીને તેને રમત-ગમતના મેદાન તરીકે સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. માત્ર 1 માસ જેટલા ટૂંકા ગાળામાં Kutch district sports infrastructure માટે ફિલ્ડ વિઝિટ અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 105 ગામના કુલ 105 રમત-ગમતના મેદાન નીમ કરી રેવન્યૂ રેકર્ડ પર લાવ્યા છે. આ કામગીરીથી કુલ 8,49,870 ચોરસ મીટર જમીન નીમ થતાં રમત-ગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે.
તાલુકાવાર પ્રસ્તાવિત મેદાનોની વિગતો
આ વિચારને મૂર્તિમંત કરવા માટે કચ્છ મહેસૂલી તંત્રે ખાસ ઝુંબેશ આદરીને કચ્છના 9 તાલુકાઓમાં નીચે મુજબના મેદાનો નીમ કર્યા છે:
| ક્રમ | તાલુકો | મેદાનોની સંખ્યા |
| 1 | માંડવી | 37 |
| 2 | મુંદરા | 14 |
| 3 | અંજાર | 12 |
| 4 | અબડાસા | 10 |
| 5 | રાપર | 9 |
| 6 | ભુજ | 8 |
| 7 | ભચાઉ | 5 |
| 8 | નખત્રાણા | 5 |
| 9 | લખપત | 5 |
| કુલ | 105 |
અધિકારીનો દ્રષ્ટિકોણ
કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જેવા સરહદી તેમજ વિશાળ જિલ્લામાં બાળકો અને યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે સ્પોર્ટસના મેદાન હોવા જરૂરી છે. ગુજરાત સરકારની રમત-ગમત નીતિ હેઠળ કચ્છમાં ગ્રાસરૂટ કક્ષાએ માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ડી.એમ.એફ., લોકલ ફંડ તથા અન્ય સરકારી યોજનાઓ હેઠળ આ મેદાનોના વિકાસ માટે વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ગુજરાત સરકાર રમતગમત નીતિને અંતર્ગત રમતગમતના વાતાવરણને લોકપ્રિય બનાવવા રાજ્યમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પૂરી પાડીને ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને તૈયાર કરવા પ્રયત્નશીલ છે. ત્યારે કચ્છના નીમ કરાયેલા મેદાન રમતવીરો તૈયાર કરવામાં મજબૂત પાયો સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌપ્રથમ કચ્છના મહેસુલીતંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા એકસાથે મેદાનો નીમ કરાયા છે, જે કચ્છના બાળકો તથા યુવાનોના સર્વાંગી વિકાસને બળ પૂરું પાડશે.
આ પણ વાંચો : અમદાવાદના Ashram Road પર Accident, 10મા માળેથી પટકાતા પ્લમ્બિંગનું કામ કરતા શ્રમિકનું મોત


