Vadodara: નોકરી-ધંધો છોડી આવ્યા પણ આવાસનો ડ્રો જ ન થયો,લોકો નિરાશ પરત ફર્યા
- વડોદરા (Vadodara) કોર્પોરેશનના કારણે આવાસ લાભાર્થીઓ પરેશાન
- ભાયલી, બિલ, સેવાસી, સયાજીપુરાના આવાસ ડ્રોને મેસેજ કર્યો હતો
- આવાસ ડ્રોનો મેસેજ કર્યા બાદ ડ્રો ન કરતાં લાભાર્થીઓમાં રોષ
- ત્રણ વર્ષ બાદ આવાસ મળશે તેવી આશાએ લાભાર્થીઓ આવ્યા હતા
- લાભાર્થીઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો
- હવે આવતીકાલે આવાસ ડ્રો થશે તેવી મનપાએ કરી જાહેરાત
- લાભાર્થીઓને ધક્કો ખવડાવતાં કોંગ્રેસ શહેર પ્રમુખ દોડી આવ્યા
- લાભાર્થીઓએ કહ્યું કે કોર્પોરેશને અમને ધક્કો ખવડાવ્યો
Vadodara: વડોદરા મહાનગરપાલિકાએ (VMC) ભાયલી, બિલ, સેવાસી અને સયાજીપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનોના ડ્રો અંગે લાભાર્થીઓ સાથે મોટો ખેલ ખેલ્યો હોવાનો આક્ષેપ થયો છે.
વડોદરામાં (Vadodara) આવાસના લાભાર્થીઓ સાથે કોર્પોરેશને કર્યો ખેલ
મળતી માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે આવાસનો ડ્રો યોજાશે તેવો સત્તાવાર મેસેજ લાભાર્થીઓને મોકલવામાં આવ્યો હતો. આ મેસેજના આધારે સેંકડો લાભાર્થીઓ નોકરી-ધંધો છોડીને સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતાં જ તેમને જાણ થઈ કે આજે ડ્રો નહીં થાય, હવે આવતીકાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ડ્રો યોજાશે.
લાભાર્થીઓમાં ભારે રોષ
આ અચાનક ફેરફારથી ત્રણ-ચાર વર્ષથી આવાસની રાહ જોતા લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો. તેમણે પાલિકા સામે “કોર્પોરેશન મુર્દાબાદ”, “અમારી સાથે છેતરપિંડી નહીં ચાલે” જેવા સૂત્રોચ્ચાર કર્યા અને રોડ ઉપર જ બેસી રોષ વ્યક્ત કર્યો.
કોંગ્રેસ શહેર પ્રમુખ સ્થળ પર દોડી આવ્યા
લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, “અમે રોજી-રોટી છોડીને આવ્યા છીએ, બાળકોને સ્કૂલેથી રજા અપાવી છે, અમારી સાથે આવો ધક્કો ન ખવડાવો.” ઘટનાની જાણ થતાં કોંગ્રેસ શહેર પ્રમુખ રુત્વિજ જોશીપુરા સ્થળ પર દોડી આવ્યા અને લાભાર્થીઓને ટેકો આપ્યો. તેમણે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરીને ડ્રો તાત્કાલિક યોજવાની માગણી કરી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી લાભાર્થીઓ નિરાશ થઈને પરત ફર્યા હતા.
આ પણ વાંચો: Dahod: સીંગવડ તાલુકાના બારેલા ગામે 5 મકાનોમા ભીષણ આગ, ચાર બકરાનાં મોત, પરિવાર સલામત