વર્ક વિઝા કૌભાંડમાં પકડાયેલા હસીમ લોઢાના આઠ દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર
કોર્ટે હસીમ લોઢા ના આઠ દિવસના રિમાન્ડ એટલે કે તા.૨૦ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે
12:04 AM Sep 15, 2025 IST
|
Mustak Malek
- વર્ક વિઝા કૌભાંડમાં પકડાયેલ હસીમ લોઢા ના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
- પુછપરછ દરમિયાન પોલીસને વધુ વિગતો મળવા શકયતા
- પોલીસે ભોગ બનનાર ૧૦૪ લોકોના નિવેદન નોંધ્યા,
- સિકંદર લોઢાએ ૧.૭૭ કરોડ લીધા હોવાનો દાવો
વિદેશમાં નોકરી અપાવવાના બહાને હિંમતનગરના સિકંદર લોઢા આણી મંડળીએ ગુજરાત સહિત દેશના અન્ય ૧૩ રાજયોના લોકોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને વર્ક વિઝા અપાવવાનું કહી તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લઇ પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજો અને રોકડ રકમ પરત ન આપી હોવાની ફરિયાદો થોડાક દિવસ અગાઉ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે શુક્રવારે કેટલાક દસ્તાવેજો અને સિકંદર લોઢાની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીની ધરપકડ કર્યા બાદ વધુ પુછપરછ માટે તેને શનિવારે હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાયો હતો. જયાં ન્યાયધીશે તેના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે પુછપરછ દરમિયાન પોલીસને વધુ વિગતો મળી શકશે.
હસીમ લોઢા ના આઠ દિવસના રિમાન્ડ મંજૂર
આ અંગે સિકંદર લોઢા કૌભાંડની તપાસનો દોર સંભાળતા પીઆઇ સંજયભાઇ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે શુક્રવારે સિકંદર લોઢાની ઓફિસમાં કામ કરતા હસીમ લોઢાની અટકાયત કરાયા બાદ અનેક ચોકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે તેના રિમાન્ડ મેળવવા માટે શનિવારે હિંમતનગરના ન્યાયાધીશ શેખાની કોર્ટમાં રજૂ કરાયો હતો. જયાં ન્યાયાધીશે ગુનાની ગંભીરતા સમજીને હસીમ લોઢાના આઠ દિવસના રિમાન્ડ એટલે કે તા.૨૦ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ હવે તેની પુછપરછ કરીને વધુ વિગતો મેળવ્યા બાદ સિકંદર લોઢા કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની કે જેઓ હાલ ભુર્ગભમાં જતા રહ્યા છે. તેમના સુધી પહોંચવા મહત્વની કડી મળવાની શકયતા છે.
હસીમ લોઢા ના રિમાન્ડથી વર્ક વિઝા કૌભાંડના અનેક ખુલાસો થશે.
પોલીસ સમક્ષ વધુ ૧૦૪ ભોગ બનનારા વ્યકિતઓએ પોલીસ સમક્ષ હાજર થઇને તેમના નિવેદનો નોંધાવ્યા છે. જેમાં અંદાજે રૂપિયા ૧.૭૭ કરોડની રકમ સિકંદર લોઢા આણી મંડળીએ લોભામણી લાલચ આપીને લઇ લીધા હતા. સાથો સાથ પાસપોર્ટ સહિતના અન્ય દસ્તાવેજો પણ સિકંદર લોઢાએ લઇ લીધા હોવાને કારણે ભોગ બનનાર લોકો માટે હાલ વિદેશમાં જવાનું સ્વપ્ન અપૂર્ણ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસે નિવેદન નોંધ્યા બાદ તેની ખરાઇ કરીને કેટલાક લોકોને રકમ અને દસ્તાવેજ તથા પાસપોર્ટ પરત અપાવે છે તેના માટે હાલના તબક્કે રાહ જોવી રહી.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
Next Article