Dahod: સીંગવડ તાલુકાના બારેલા ગામે 5 મકાનોમા ભીષણ આગ, ચાર બકરાનાં મોત, પરિવાર સલામત
- સીંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રે 5 મકાનોમા લાગી ભીષણ આગ
- ભોજન બાદ નિંદરમાં મગ્ન પરિવાર સમયસૂચકતા વાપરી સલામત બહાર નીકળતાં થયો આબાદ બચાવ
- એક જ લાઈનમા 5 મકાનમાં રહેતા પાંચ ભાઈઓના પરિવારનું સરસામાન બળીને ખાખ
- મકાનમાં બાંધેલા ચાર બકરાઓ આગની ઝપેટમા આવતા મોતને ભેટ્યા
- આગ ભભૂકી ઉઠતાં ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ તાત્કાલિક દોડી આવી
- ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ
- આગમાં સમગ્ર મકાન પૂર્ણ રીતે બળીને ખાખ
Dahod: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બારેલા ગામે ગત મધરાત્રે ભયાનક આગ લાગી હતી. જેમાં એક જ લાઇનમાં આવેલા પાંચ સગા ભાઇઓના કાચા-પાકા મકાનો મિનિટોમાં જ આગની ઝપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક જાણકારી મુજબ સૌ પ્રખમ મકાનના પાછળના ભાગેથી આગ લાગી હતી જે બાદ આગ વધુ પ્રસરી હતી.
5 મકાનોમા લાગી ભીષણ આગ
મળતી માહિતી મુજબ મકાનોમાં મોટી માત્રામાં ઘાસ સંગ્રહાયેલો હોવાથી આગે પળમાં વિકરાળ સ્વરૂપ લઈ લીધું અને પાંચેય મકાનોને પોતાની ચપેટમાં લખેંચી લીધા.આગનો ભોગ બનેલા પાંચેય મકાનો પટેલ પ્રતાપભાઈ વજાભાઈ, મોહનભાઈ વજાભાઈ, દલપતભાઈ વજાભાઈ, વિરસિંગભાઈ વજાભાઈ તથા રંગીતભાઈ વજાભાઈ – આ પાંચ સગા ભાઈઓના હતા.
આગમાં ચાર બકરાનાં મોત
ઘટના સમયે તમામ પરિવારજનો રાત્રેનું ભોજન કરી ઊંઘી ગયા હતા.અચાનક આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને બધા સમયસર જાગી ગયા અને ઝડપથી ઘરની બહાર નીકળી આવ્યા, જેના કારણે જાનહાની સર્જાઈ ન હતી. જોકે, મકાનમાં બાંધેલા ચાર બકરાઓને બહાર કાઢવાનો સમય ન મળતાં તેઓ જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા.
આગમાં સમગ્ર મકાન પૂર્ણ રીતે બળીને ખાખ
આગમાં પાંચેય પરિવારનું ઘરવખરી, અનાજ, કપડાં, રોકડ રકામ, દસ્તાવેજો સહિત સર્વસ્વ બળીને રાખ થઈ ગયું છે. ગ્રામજનોએ આગની જાણ થતાંવેંત ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં પાંચેય મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યા હતા.હાલ તંત્ર દ્વારા નુકસાનીનું સર્વેક્ષણ હાથ ધરાયું છે. આ દુર્ઘટનાના પગલે બારેલા ગામે શોકનું મોજું છવાયું છે.
આ પણ વાંચો : Surat: ફાર્મહાઉસમાં પોલીસ બનીને આવ્યા ત્રણ શખ્સો, 13 લાખ લઈ ફરાર