Dahod : પશુદાણની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
- Dahod liquor smuggling
- પશુદાણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- કતવારા પોલીસે ₹74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
- બંધ બોડી ટ્રકમાંથી કરોડોની દારૂની પેટીઓ ઝડપાઈ
Dahod liquor smuggling : મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની મોટા પાયે ઘૂસણખોરી કરવા માટે બૂટલેગરો અવનવા કીમિયા અપનાવી સક્રિય રહેતા હોય છે. દાહોદ (Dahod) જિલ્લો મધ્યપ્રદેશની સરહદ પર આવેલો હોવાથી અહીં પોલીસની સતર્કતા અત્યંત જરૂરી બની રહે છે. દાહોદ પોલીસ (Dahod Police) ની આ સજાગતાને કારણે માત્ર એક દિવસ પહેલા જ LCB (Local Criem Branch) દ્વારા 3 ટ્રકમાંથી ₹2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત કતવારા પોલીસને ₹74 લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પશુદાણની આડમાં દારૂની હેરાફેરી
મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા ઈન્દોર-અમદાવાદ હાઈવે ઉપર કતવારા પોલીસ મથકની હદમાં આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર ગત મોડી રાત્રે કતવારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક બંધ બોડીના ટ્રકને રોકીને તેના ચાલકની પૂછપરછ કરવામાં આવતા તેણે ટ્રકમાં 'પશુદાણ' ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને શંકા જતાં ટ્રકમાં ભરેલી પશુદાણની થેલીઓ હટાવવામાં આવતાં તેની નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની ગણતરી કરતાં ₹74.10 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 505 પેટીઓ મળી આવી હતી.
કુલ ₹ 89 લાખનો મુદ્દામાલ કબજે
કતવારા પોલીસે ટ્રક, દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹ 89.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તાત્કાલિક ટ્રક ચાલકની અટકાયત કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. દાહોદ પોલીસ (Dahod Police) ની આ કામગીરી બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે.
સાબિર ભાભોર, દાહોદ
આ પણ વાંચો : સંજેલી નગરમાં રખડતા ઢોરોનો આતંક! એક મહિલાને ફંગોળતા ઈજાઓ પહોંચી