ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આદિવાસી સમુદાયની દિકરીએ જર્મની વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મેળવ્યું સ્થાન

તાપી જિલ્લા અને આદિવાસી સમુદાયમાં ગૌરવની લાગણી
11:44 PM Jul 25, 2025 IST | Mujahid Tunvar
તાપી જિલ્લા અને આદિવાસી સમુદાયમાં ગૌરવની લાગણી

વ્યારા : રમત-ગમત ક્ષેત્રે આદિવાસી યુવાન-યુવતિઓ ઉત્કૃષ્ઠ યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકારે ખેલ મહાકુંભનું આયોજન કરીને ગ્રામીણ ક્ષેત્રોના ખેલાડીઓને બહાર લાવવાનો અભિગમ કાબેલીદાદ છે. રાજ્યના આદિવાસી વિસ્તારના અનેક રમતવીરો પોતાનું કૌશલ્ય રજુ કરી સિધ્ધિઓના સિંહાસન ઉપર પહોંચવા થનગનાટ અનુભવે છે. હાલમાં જ જર્મનીના રહાઈન રૂહર ખાતે ૧૬ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી FISU WORLD UNIVERSITY GAMES નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશની વોલીબોલ ટીમમાં ગુજરાતમાંથી એકમાત્ર તાપી જિલ્લાની મીનલબેન સોહાનભાઈ ગામીતની અપોઝિટ હિટર તરીકે પસંદગી થતા આદિવાસી સમાજ અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌરવ અને આનંદની લાગણી અનુભવાઈ હતી.

આદિવાસી સમુદાય ખેતી-પશુપાલન સાથે સંકળાયેલુ છે. નવી પેઢી ખેતી-પશુપાલનની સાથે શિક્ષણ અને રમત-ગમતમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપી રહી છે. રાજ્ય સરકારે ખેલ મહાકુંભના આયોજન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે પ્રશંસનીય છે. આવા આયોજનોથી અનેક આદિજાતિ ખેલાડીઓને પોતાનું કૌશલ્ય વિશ્વપટલ પર પ્રસ્તુત કરવાની તક મળશે.

મીનલ ગામીતે જર્મનીથી સોશિયલ મીડિયાના માધ્યમથી તાપી જિલ્લા માહિતી કચેરીને જણાવ્યું હતું કે વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સમાં મારી પસંદગી થતા મને ખૂબ જ આનંદ થયો હતો. મારૂ સ્વપ્ન હતું કે હું વોલીબોલની રમતમાં સારા પ્લેયર બની મારી કારકિર્દીમાં આગળ વધી હું મારા ગામ,જિલ્લો,રાજ્ય અને દેશને ગૌરવ અપાવીશ. શાળામાં અભ્યાસ બાદ ખેલમહાકુંભથી શરૂ કરેલી મારી કારકિર્દીમાં હું હંમેશા સફળ બનવા માટે પ્રતિબધ્ધ છું. હાલમાં અમે બ્રાઝિલ,સ્પેન,મોંગોલીયા,ચીલી અને છેલ્લે ઓસ્ટ્રેલીયા સામે રમ્યા જેમાં પાંચ સેટ સુધી અમે જોરદાર ટક્કર આપી અંતે અમારી ટીમ બહાર થઈ ગઈ.પરંતુ હારમાંથી પણ અમે ઘણું બધુ શીખ્યા. ફરી અમે બુલંદ જુસ્સા સાથે મેદાનમાં ઉતરીશું અને ભારત દેશને ગૌરવ અપાવીશું.

મીનલ ગામીતના પરિવાર સાથે સંવાદ સાધતા, તેમની મોટી બહેન સોનલ ગામીતે આનંદની લાગણી સાથે જણાવ્યું કે:“મારી નાની બહેન મીનલે ધમોડી અને હનુંમતિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ ઘાટાની હાઈસ્કૂલમાં મેળવ્યું હતું, જ્યાં કૌશિકભાઈ કોચના પ્રોત્સાહનથી મીનલના રમતકુશળતાના પાંખો લાગી હતી. અમારા પરિવાર તરફથી પણ રમતમાં તેને તમામ પ્રકારનો સહયોગ મલતો રહ્યો છે.

શિક્ષણની સાથે સાથે રમતમાં પણ આગળ વધતી મીનલે નડિયાદ ખાતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું. ત્યારબાદ મરીદાભાગોળ નડિયાદ એકેડમીમાં પ્રવેશ મેળવીને કોચ ચંદરસિંહના માર્ગદર્શન હેઠળ વોલીબોલની તાલીમ લેવાનું શરૂ કર્યું.હાલમાં મીનલ ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલી કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT deemed to be University)માં સ્નાતક (સોશિયોલોજી)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

વધુમાં સોનલ ગામીતે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરેલ ખેલ મહાકુંભથી મીલનને નવી દિશા મળી છે. જેથી અમારો સમગ્ર પરિવાર વડાપ્રધાન અને ગુજરાત રાજ્ય સરકારનો પણ આભારી છે કે, જેમણે ખેલ મહાકુંભ થકી આદિવાસી દિકરા-દિકરીઓને પોતાની કલા પ્રસ્તુત કરાવા માટે એક મંચ પુરું પાડ્યું છે.જેના થકી આજે મિનલ જેવા અનેક રંમતવીરો ખેલ ક્ષેત્રે પોતાના પરિવાર સહિત રાજ્ય અને દેશનુ નામ રોશન કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે નાનકડા ધમોડી ગામની આદિવાસી દિકરી મીનલ સંયુક્ત પરિવારમાં રહે છે. તેના પિતા હયાત નથી અને માતા વ્યારાના ઈન્દુ ખાતે આવેલ નર્સિંગ છાત્રાલયમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે. મીનલની બે બહેનો સોનલ (એમ.કોમ.) અને પાયલ (૧૨ સાયન્સ) અભ્યાસમાં અભ્યાસ કર્યો છે.

આજે આદિવાસી સમુદાય અને સમગ્ર રાજ્ય માટે મીનલ ગામીતનું આ યોગદાન પ્રેરણાદાયક છે અને આવનારા ખેલપ્રેમી યુવાનો માટે આદર્શ છે. રાજ્ય સરકાર રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભા તથા રમતવીરોને વધુ પ્રોત્સાહન અને તક આપવા માટે વિવિધ મંચો આપી રહી છે, જેના પરિણામસ્વરૂપ તાપી જિલ્લાના ગામડાની દીકરી મીનલે સૌને પ્રેરિત કર્યા છે. કહેવાય છે ને, મંજીલ ઉન્હી કો મિલતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહી હોતા, હૌસલોં સે ઉડાન હોતી હૈ.

પરિવારનો સહારો અને પોતાની ખુદની હિંમતથી મીનલ આજે ‘ધમોડી’થી ‘રાષ્ટ્રીય મંચ’ તરફ દૃઢપણે આગળ વધી રહી છે.

અહેવાલ: અક્ષય ભદાને વ્યારા,તાપી

આ પણ વાંચો- ઈડરના બડોલીમાં ઝાડ કાપવા ગયેલા યુવાનને વીજ કરંટ લાગતાં મોત

Tags :
FISU World University GamesIndia women's volleyball teamTapiVyara
Next Article