Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે મોટેરામાં 30 જેટલા મકાનોનું ડિમોલેશન, શું થવા જઈ રહ્યું છે?
- Ahmedabad ના બળદેવનગરમાં દબાણો દૂર કરાયા
- ટીપી રોડને પહોળો કરવા માટે 30 જેટલા દબાણો હટાવાયા
- રહેણાંક અને ધંધાકીય 30 એકમો તોડી પાડવામાં આવ્યા
- અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવાનું આયોજન
Ahmedabad in Demolition:વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદને 'Sports City' બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના શરૂ કરી દેવામાં આવી છે. આ વિકાસકાર્યોને વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે, 29 નવેમ્બરના રોજ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા એક મહત્ત્વપૂર્ણ ટાઉન પ્લાનિંગ (TP) રોડને ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બળદેવનગરમાં 30 જેટલા મકાનો તોડવાની કામગીરી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ નિર્માણ પામવાનું છે, જેના કારણે આજુબાજુના માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ વિકાસના ભાગરૂપે, AMCના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મોટેરા વિસ્તારના બળદેવનગરમાં આવેલા 30 જેટલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. આ TP રોડ, જે અચેર ડેપોથી સીધો ટોરેન્ટ પાવર સુધી ખુલે છે, તેમાં સાબરમતીના બળદેવનગર અને સુભાષનગર વિસ્તારના કેટલાક બાંધકામો આડે આવતા હતા. અગાઉ, AMC દ્વારા ટીપી રોડ પર આવતા સુભાષનગરના મકાનોનું ડિમોલેશન કરી દેવાયું હતું, પરંતુ બળદેવનગરના રહીશોએ હાઇકોર્ટમાં અરજી કરતાં ડિમોલેશન અટક્યું હતું.
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન
રહીશોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં મકાનો ખાલી ન થતાં મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે તેમની અરજી નકારી કાઢ્યા બાદ પણ ડબલ બેંચમાં અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી પર સુનાવણી થાય તે પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસકાર્યોને ઝડપથી આગળ ધપાવવા માટે ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારે સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફે ચાર હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશનની શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ મકાનો ખાલી કરાવીને પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ સિટીનું વિઝન
વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની કાયાપલટ કરવાના પ્રયાસો તેજ થયા છે. આ TP રોડનું ખોલવું એ માત્ર સ્થાનિક વિકાસ જ નહીં, પણ સમગ્ર શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાના વિઝનનો એક મહત્ત્વનો ભાગ છે. આ ઝડપી કાર્યવાહી દર્શાવે છે કે AMC આ ભવ્ય ગેમ્સ માટે સમયસર તૈયારીઓ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃ Airbus A320 flight: એરબસ A320 વિમાનોમાં સમસ્યા, ભારત સહિત કેટલા દેશો પ્રભાવિત, શું છે કારણ?


