વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ
સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વ તથા કલેકટરની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદ દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટે ઓથોરીટી, પોસ્ટ ઓફીસ, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તથા ધારાસભ્ય સર્વ વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્મુમનસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોઓ દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદા રજૂ કરીને જેતે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.
આ પ્રસંગે સાંસદે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું જણાવીને પદાધિકારીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીઓ દ્વારા ગંભીરતાથી લઇને તેનો ત્વરીત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે કલેકટરે વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસકામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન કર્યું હતું.
આજની બેઠકમાં ધારાસભ્યો દ્વારા ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ, તળાવના કામો, મનરેગાના કામ, વાસ્મો હેઠળના કામો, ગ્રામ સડક યોજના, સ્વામિત્વ યોજના હેઠળ થતા સર્વેને લગતા સૂચનો, શાળાના ઓરડા, પાણી સહિતના પ્રશ્નો મુદે રજૂઆત કરીને તેને લગતા કામો ગુણવત્તાયુકત કરવા તથા અગાઉ વિભાગ પાસે મુકાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે રાઠોડ દ્વારા ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ હેઠળ થતી કામગીરી અંગે તૈયાર કરાયેલા પુસ્તક અંગે છણાવટ કરાઇ હતી અને આ તકે સાંસદના હસ્તે પુસ્તિકાનું વિચોમન કરાયું હતું. આજરોજ મળેલી રિવ્યૂ બેઠકમાં ડીડીઓ એસ.કે.પ્રજાપતિ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : કૌશિક છાયા, ક્ચ્છ
આ પણ વાંચો : પાલનપુરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનેલ રાજીવ આવાસના મકાનો ખંડેર બન્યા