devgadhbaria ના કેળકૂવા ગામમાં લોટ દળવાની ઘંટીમાં દુપટ્ટો ફસાતા યુવતીનું કમકમાટીભર્યું મોત
- devgadhbaria માં ઘંટીમાં દુપટ્ટો આવી જતા યુવતીનું મોત
- જસુબેન કનુભાઈ બારીયા નામની યુવતીનું થયું મોત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
દેવગઢબારીયાના કેળકૂવા ગામથી યુવતીના મોતના શોકજનક સમાચાર સામે આવ્યા છે. કેળકૂવા ગામના વાણિયા ફળિયામાં આવેલી લોટ દળવાની ઘંટીમાં દુપટ્ટો ફસાઈ જવાથી યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ કરૂણ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
devgadhbaria : યુવતીના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢબારીયા તાલુકાના સાગટાળા પોલીસ મથકની હદમાં આવેલા કેળકૂવા ગામના વાણિયા ફળિયા ખાતે દળવાની ઘંટીમાં આ કમકમાટીભર્યો બનાવ બન્યો છે.મૃતક યુવતીનું નામ જસુબેન કનુભાઈ બારીયા છે, જે કેળકૂવા ગામના વાણિયા ફળિયામાં રહેતી હતી. જસુબેન પોતાના ઘરનું અનાજ દળાવવા માટે ગામમાં આવેલી ખરાદી રફીક ઈસુબની દુકાન અને અનાજ દળવાની ઘંટી ઉપર બપોરના સમયે ગઈ હતી. દુર્ઘટના ઘંટીમાં અનાજ નાખવાના સમયે સર્જાઈ હતી. ઘંટીમાં અનાજ નાખતી વખતે યુવતીનો દુપટ્ટો ઓચિંતા ઘંટી ચલાવતા પટ્ટા (બેલ્ટ)માં આવી ગયો હતો. દુપટ્ટો પટ્ટામાં ઘસાડાતા અને ખેંચાતા યુવતીનું માથું જોરથી અથડાયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
નોંધનીય છે કે આ બનાવની જાણ થતાં જ સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ ડી. એસ. લાડ તરત જ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પીઆઇ જી. બી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કરુણ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધીને આગળની વધુ સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Chhota Udepur : બોડેલી તાલુકાના કોસીન્દ્રાથી ભાખા ગામને જોડતો માર્ગ બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી