VADODARA : ગોધરાની શાળામાં દાઝેલી વિદ્યાર્થીનીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર
VADODARA : એક માસ પહેલા ગોધરા (GODHRA) ની કાજીવાળા શાળામાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી જવાની ઘટના બની હતી. પરિવારે દેવું કરીને તેની સારવાર કરાવી તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તાજેતરમાં વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી માતાએ વિદ્યાર્થીનીનો મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ મામલે માતાએ આરોપ મુક્યો કે, એક મહિના સુધી તેઓ રજુઆત કરતા રહ્યા છતાં પોલીસે ફરિયાદ લીધી ન્હતી.
સારવાર ફળશે તેવી આશા જીવંત રાખી
16 ઓગષ્ટના રોજ ગોધરાની કાજીવાળા સ્કુલમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીની ખુશ્બુ બારીયા ગંભીર રીતે દાઝી ગઇ હતી. આ ગંભીર ઘટના અંગે શાળા સંચાલકો દ્વારા પરિજનોને મોડે મોડે જાણ કરવામાં આવી હતી. જે બાદ પરિજનો પહોંચ્યા હતા. ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી વિદ્યાર્થીનીની સારવાર કરવામાં આવી હતી. દિકરી સાજી થશે તે આશાએ માતાએ દેવું કરીને પણ તેને સારવાર ફળશે તેવી આશા જીવંત રાખી હતી.
મારી દિકરીને ન્યાય અપાવો
દરમિયાન આ અંગે રજુઆત કરતા શાળા સંચાલકો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. આ અંગે ગોધરા પોલીસ દ્વારા પણ એક મહિનાથી ફરિયાદ લેવામાં આવી નથી. આખરે 1 મહિનાથી સારવાર હેઠળ દાઝેલી દિકરીએ દમ તોડ્યો છે. આ દિકરીનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. આ તકે, માતા સુરેખા બેન એ બે હાથ જોડીને આક્રંદ સાથે કહ્યું કે, મારી દિકરીને ન્યાય અપાવો. દિકરીના પિતાનું મોત નિપજ્યા બાદ મેં જાતે તેને મોટી કરી છે. દેવું કરીને સારવાર કરાવી છતાં તે બચી શકી નથી. જ્યાં સુધી મૃતક દિકરીને ન્યાય ના મળે ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- CHHOTA UDEPUR : પૂર્વ સાંસદના ભત્રીજાના હત્યારાઓ લોકોની નજર સામેથી પસાર થયા, જાણો સમગ્ર ઘટનાક્રમ