Gondal : ગોઘાવટા પાસે કોઝવેમાં કાર ડૂબી, BAPS ગુરુકુલનાં પૂર્વ પ્રિન્સિપાલ, આદર્શ શિક્ષક કૃષ્ણભાઇ પંડ્યાનું મૃત્યુ
- સારંગપુર આવી રહેલી અર્ટિગો કાર ગોઘાવટા નજીક કોઝવેમાં ગરકાવ થઈ (Gondal)
- ગોંડલ BAPS ગુરુકુલનાં પૂર્વ પ્રિન્સિપાલ, પૂર્વ ગૃહપતિ તથા આદર્શ શિક્ષક કૃષ્ણભાઇ પંડ્યાનું મૃત્યુ
- મૃતદેહને ગોંડલ લવાયો, અક્ષર મંદિરનાં નદી કાંઠે આવેલ અક્ષર ઘાટ ખાતે અગ્નિદાહ અપાયો
- આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ, બેનાં મોત, અન્ય હજું પણ એક લાપતા
Gondal : ગત રવિવાર રાત્રિનાં સારંગપુર આવી રહેલી અર્ટિગો કાર ગોઘાવટા નજીક કોઝવે પરથી પસાર થતી વેળાએ પાણીના પ્રવાહમાં તણાઇ હતી. આ કારમાં સવાર ગોંડલ BAPS ગુરુકુલનાં (Gondal BAPS Gurukul) પૂર્વ પ્રિન્સિપાલ, પૂર્વ ગૃહપતિ તથા આદર્શ શિક્ષક તરીકે જાણીતા કૃષ્ણભાઇ પંડ્યાનું મૃત્યુ નિપજતા શોક ફેલાયો હતો. તેઓ 80 વર્ષનાં હતા. ગત બપોરે તેમનાં મૃતદેહને ગોંડલ લવાયો હતો. પુ. મહંત સ્વામીની આજ્ઞા અનુસાર તેમનાં નશ્ર્વરદેહને ગુરુકુલ ખાતે રાખવામાં આવ્યો હતો અને સંતો દ્વારા ધાર્મિક વિધિ બાદ અક્ષર મંદિરનાં નદી કાંઠે આવેલા અક્ષર ઘાટ (Akshar Ghat) ખાતે અગ્નિદાહ અપાયો હતો.
મુળ વાડજના અને વરસોથી ગોંડલ સ્થાયી થયેલા કૃષ્ણભાઇ પંડ્યાએ 20 વર્ષ સુધી નિર્દેશક તરીકે ગોંડલમાં (Gondal) સેવા આપી હતી. 12 વર્ષ ગુરુકુલનાં ગૃહપતિ અને 20 વર્ષ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી હતી. તેમનાં એકનાં એક પુત્રને તેમણે પુ.સ્વામીબાપાનાં ચરણોમાં અર્પણ કર્યા હતા. રવિવાર રાતે સર્જાયેલ દુર્ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં (BAPS Swaminarayan Mandir Sarangpur) કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયનાં ગૃહપતિ દિવ્યેશભાઈ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરીને રવિવાર મોડી રાતે સારંગપુર પરત આવી રહેલા બે સંતો અને અન્ય 4 યાત્રિકોને કોઝવે પરથી કાર તણાતા અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો - Ambaji : ભોજનાલય, શાળા, વિશ્રામગૃહ સહિત અંબાજી મંદિર ટ્રસ્ટ સંસ્થાનાં બિલ્ડિંગોની ચકાસણી કરવાની માગ
અર્ટિગો કાર દ્વારા સારંગપુર આવી રહેલા દિવ્યેશભાઈ પટેલ રાત્રે સવા અગિયાર વાગે સારંગપુરથી (Sarangpur) માત્ર ત્રણ-ચાર કિલોમીટર દૂર આવેલા ગોધાવટા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક નાળા પાસે ડીપમાં થોડું પાણી ભરાયેલું હતું. આથી, તેઓ નાળાનાં કિનારે ઊભા રહી ગયા હતા. એવા સમયે અહીં કોઈની પ્રતીક્ષામાં ઊભા રહેલા એક છકડા-રિક્ષાનાં ચાલકે તેમને જણાવ્યું કે અહીં સામાન્ય પાણી છે અને નીકળી જવાશે. જો કે, તેમની વાત સાચી હતી અને પાણી પણ ઓછું જ હતું. કારણ કે, છકડા રિક્ષાનો ચાલક તેમાંથી જ પસાર થઈને આવ્યો હતો. આથી, દિવ્યેશભાઈએ કાર નાળામાં ચલાવવાની હિંમત કરી.
ગામજનોએ કારને રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા
જો કે, પ્રવાહ ઓછો હતો એટલે વાંધો જણાતો નહોતો. પરંતુ, કાર નાળામાં અધવચ્ચે પહોંચી ત્યારે પ્રવાહને કારણે ઊભી રહી ગઈ. આથી તેમણે અને સાથેનાં યાત્રિકોએ ફોન દ્વારા લોકોની મદદ માંગી. કિનારે ઊભેલા કેટલાક લોકોએ દોરડું ફેક્યું. દોરડું બાંધીને કાર ખેંચવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ, એ જ વખતે ઉપરવાસમાં વરસાદ પડવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. અંદર બેઠેલા પૂજ્ય અપૂર્વપુરુષદાસ સ્વામીએ (Pujya Apoorvapurushdas Swami) સારંગપુર ખાતે સંતોને ફોન કરીને તાત્કાલિક સહાય માટે વિનંતી કરી. આ દરમિયાન, બાજુનાં ગોધાવટા ગામનાં લોકો પણ મદદ માટે દોડી આવ્યા. સૌએ મળી કારને રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ, પાણીનો પ્રવાહ વધી જતાં કાર તણાવા લાગી હતી.
આ પણ વાંચો - Ahmedabad : BAOU મુકામે "વંદે માતરમ્" ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા સાર્ધ શતાબ્દીની ઉજવણી
કારમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ, બેનાં મોત, અન્ય એક લાપતા
નાળાનું પાણી ખૂબ કાદવવાળું હતું, તેથી અંદર બેસેલા યાત્રિકો કાંઈ સમજે તે પહેલાં નાળામાં અચાનક વધેલા પ્રવાહમાં કાર તણાવા લાગી. ગણતરીની સેકંડોમાં કાર તણાઈને રસ્તાની બાજુમાં જ રહેલા ખાડામાં પડી ગઈ. કારમાં આગલી સીટ પર બેઠેલા અપૂર્વપુરુષદાસ સ્વામી અને ડ્રાઈવર દિવ્યેશભાઈ બારણું ખોલી તાત્કાલિક બહાર આવ્યા. પરંતુ પ્રવાહમાં તેઓ પણ તણાવા લાગ્યા. એટલી વારમાં તેમના હાથમાં દોરડું આવી જતા તેઓ બહાર નીકળી ગયા. પાછલી સીટમાં બેઠેલા અન્ય બે યુવકો પણ અંધારામાં ફાફાં મારી બહાર નીકળી આવ્યા. દોરડું અને એક બાવળિયાનો સહારો લઈ તેઓ માંડ બચી શક્યા. આ દરમિયાન, કાર આખી પાણીમાં ડૂબી જતા અન્ય યાત્રિકોની કાંઈ ભાળ મળી નહીં. મોડી રાત્રે મદદ માટે દોડી આવેલા મામલતદાર, ગામનાં લોકો, સારંગપુરનાં અન્ય સંતો અને નિષ્ણાતોની મદદથી છેક રાત્રે 3 વાગે કાર પાણીમાંથી બહાર કાઢી શકાઈ. ત્યારે વચ્ચેની સીટમાં લગભગ 80 વર્ષીય શ્રીકૃષ્ણભાઈ પંડ્યા (Krishnabhai Pandya) અને દિવ્યેશભાઈનો 10 વર્ષીય પુત્ર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ઉપરાંત, કારમાં બેઠેલા અન્ય એક નવદીક્ષિત સંત પૂજ્ય શાંતચરિત સ્વામીની કોઈ ભાળ મળી નહીં. મુંબઈમાં પૂર્વાશ્રમમાં અભ્યાસ કરીને બે વર્ષ પહેલાં દીક્ષિત થયેલા પૂજ્ય શાંતચરિતદાસ સ્વામીની ભાળ મેળવવા માટે નિષ્ણાતોએ અત્યાર સુધી પ્રયાસો કર્યા છે પરંતુ વહેતા પ્રવાહની સાથે વહી ગયેલા તેઓની ભાળ હજુ સુધી મળી નથી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Junagadh : હવે ગોપાલ ઈટાલિયાનો વળતો પ્રહાર! કહ્યું- ભાજપને હજુ વિસાવદરની હાર..!