તરણેતર લોકમેળામાં Gramin olympic નું કરાયું ભવ્ય આયોજન,સરકાર તરફથી બે લાખથી વધુના ઇનામો અપાયા
- સુરેન્દ્રનગરમાં Gramin olympic નું કરાયું ભવ્ય આયોજન
- ગ્રામીણ ઓલમ્પિક્સમાં રાજ્યભરના ખેલાડીઓએ લીધો ભાગ
- સરકાર તરફથી બે લાખથી વધુના ઇનામો અપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા તરણેતર લોકમેળામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામીણ ઓલમ્પિક્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓલમ્પિક્સનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવી અને તેમની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો હતો.આ ગ્રામીણ ઓલિમ્પિકસનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં Gramin olympic નું કરાયું હતું ભવ્ય આયોજન
આ ત્રિદિવસીય ગ્રામીણ ઓલમ્પિક્સમાં ગામડાઓમાં રમાતી પરંપરાગત રમતો જેવી કે લંગડી, કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, લાંબી કૂદ, ગોળા ફેંક, નાળિયેર ફેંક, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, રસ્સાખેંચ, દોરડાકૂદ (રોપ સ્કીપિંગ) તેમજ 100, 200, 400 અને 800 મીટર દોડ અને 4x100 મીટર રિલે દોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાઓમાં 12 અને 16 વર્ષથી નાની વયના શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત 16 વર્ષથી મોટી ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યભરમાંથી આશરે 1600થી વધુ ખેલાડીઓએ આ વિવિધ રમતોમાં પોતાની કુશળતા દર્શાવી હતી.
Gramin olympic માં સરકારે આપ્યા બે લોખથી વધુના ઇનામ
ગુજરાત સરકારના રમતગમત વિભાગે વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સ્થળ પર જ રોકડ ઈનામો આપ્યા હતા, જેની કુલ રકમ 2.25 લાખ રૂપિયાથી વધુ હતી. આ ઈનામો મહિલા, પુરુષ અને નાના બાળકોની વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.આ ગ્રામીણ ઓલમ્પિક્સ ગ્રામ્ય વિસ્તારોમાં લુપ્ત થતી પરંપરાગત રમતોને જીવંત રાખવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે. આ આયોજનથી ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા ખેલાડીઓએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની પ્રતિભા દર્શાવી અને રાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયારી કરવાની તક મેળવી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના આ પ્રયાસથી ગ્રામીણ યુવાનોને રમતગમતના ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી છે, અને તરણેતરનો આ મેળો રમતગમતની સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને પણ ઉજાગર કરે છે
આ પણ વાંચો: Asia Cup 2025 : હોકીમાં ભારતની શાનદાર જીત,ચીનને 4-3થી હરાવ્યું