અમદાવાદ શહેર આગામી દિવસોમાં રમતગમતના એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી આયોજનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. દેશમાં પ્રથમ વખત 'રાષ્ટ્રીય પેરા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ'નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ નારણપુરા ખાતે આવેલા આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, જે ખેલ જગત માટે ગર્વની વાત છે.
સિનિયર કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન
આ ભવ્ય સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન 'વર્લ્ડ એસોસિએશન ઓફ કિકબોક્સિંગ ઓર્ગેનાઈઝેશન્સ' (WAKO) દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, 1 ઓગસ્ટથી 5 ઓગસ્ટ દરમિયાન સિનિયર કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં સમગ્ર દેશમાંથી ૧૩૦૦થી વધુ ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. ત્યારબાદ, 4 અને 5 ઓગસ્ટના રોજ વિશેષ રીતે રાષ્ટ્રીય પેરા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં ૧૫૦ જેટલા પેરા ખેલાડીઓ ભાગ લેશે. આ સમગ્ર ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે ૨૦૦થી વધુ રેફરી, જજ, કોચ અને ટેકનિકલ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
Ahmedabad: પેરા એથ્લેટ ભાવિની પટેલનું નિવેદન
આ પ્રસંગે પેરા એથ્લેટ ભાવિની પટેલે સરકારને અપીલ કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "સામાન્ય ખેલાડીઓને જેવી સુવિધાઓ મળે છે, તેવી જ સુવિધાઓ પેરા ખેલાડીઓને પણ મળવી જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે પેરા ખેલાડીઓ માટે ઘણી યોજનાઓ બનાવી છે, પરંતુ તે યોજનાઓનો લાભ ખેલાડીઓને ઝડપથી મળે અને તેનું યોગ્ય અમલીકરણ થાય તે અત્યંત જરૂરી છે. WAKO ઇન્ડિયાના પ્રમુખ સંતોષ અગ્રવાલે પણ આ આયોજનને ખેલાડીઓના ઉત્સાહવર્ધન માટે મહત્વનું ગણાવ્યું હતું. આ આયોજન દિવ્યાંગ ખેલાડીઓના આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તેમને રમતગમતના ક્ષેત્રમાં વધુ સક્રિય બનવા પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો: Surendranagar: પાટડીના મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત, બાળકો બિમાર પડશે તો કોની જવાબદારી?