Viksit Bharat Sankalp Sammelan: રાજ્યવ્યાપી આયોજનની તૈયારીઓ, 8 થી 14 જૂન દરમિયાન કાર્યક્રમ
ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં એક મહત્વપૂર્ણ સામાજિક અને વહીવટી પહેલ કરવામાં આવી રહી છે, જેનું નામ છે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'. આ સંમેલનો રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજિત કરવામાં આવશે. 8 જૂન 2026 થી 14 જૂન 2026 સુધી ચાલનારા આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના 'વિકસિત ભારત'ના સ્વપ્નને જન-જન સુધી પહોંચાડવાનો છે.
વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો રહેશે હાજર
આ સંમેલનોમાં '12 વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' વિષય પર વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. દરેક જિલ્લાના મુખ્ય મથકે આયોજિત થનારા આ કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓ, સાંસદો, પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં શ્રેષ્ઠ શિક્ષકો, પ્રગતિશીલ ખેડૂતો, રમતવીરો અને કલા-સાહિત્યના અગ્રણીઓને પણ એક મંચ પર લાવવામાં આવશે.
Viksit Bharat: મોટા શહેરોમાં 2-2 સંમેલનો યોજાશે
આ આયોજનના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં 2-2 સંમેલનો યોજાશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં 1-1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનેલી જિલ્લાકક્ષાની સમિતિ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. આ સંમેલનો દ્વારા સરકારનો પ્રયાસ છે કે લોકકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોની ભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવે. સાંસ્કૃતિક વારસાના જતન સાથે આધુનિક વિકાસની ગતિને કેવી રીતે જોડવી, તે અંગે પણ મંથન થશે.
આ પણ વાંચો: Monsoon Update 2026 : શું આ વર્ષે ભારતમાં પડશે સુકો દુષ્કાળ? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી


