Gujarat News Today : ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત સાથે જ રોગચાળો અટકાવવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. બીજી તરફ શિક્ષણ જગતમાં શિક્ષક ભરતી અને PTC એડમિશન પ્રક્રિયાને લઈને મોટા અપડેટ્સ સામે આવ્યા છે. સાથે જ વડોદરા અને ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદ
અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થતા મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
શિક્ષણ જગતની વાત કરીએ તો, સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં શિક્ષકોની ભરતીનું કેલેન્ડર જાહેર કરાતા PTC કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. રાજ્યમાં ૧૭ હજાર બેઠકો સામે ૬૦ હજાર જેટલા ફોર્મ ભરાયા છે, પરંતુ બે મહિના વીતી જવા છતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના મેરીટ મામલે ગૂંચવણ પ્રવર્તતી હોવાથી પ્રવેશ પ્રક્રિયા અટવાઈ છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં જ્ઞાન સહાયક શિક્ષક ભરતી પ્રક્રિયા છતાં પૂરતા શિક્ષકો ન મળવાથી હજુ પણ 400 જેટલી જગ્યાઓ ખાલી છે.
વડોદરા
વડોદરામાં લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે મહત્વપૂર્ણ બોર્ડ મીટીંગ મળશે અને ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા અગાઉ સેન્સ લેવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વખતે વહીવટી માળખામાં પરિવર્તન આવે અને નવા હોદ્દેદારો વરણી પામે તેવી પ્રબળ સંભાવના છે. પાર્ટીની રણનીતિ મુજબ જૂના હોદ્દેદારોને પડતા મૂકી નવા ચહેરાઓને તક મળી શકે છે.
ભાવનગર અને પોરબંદર
ભાવનગર જિલ્લાના ગારીયાધારને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. ચોમાસાની સિઝનમાં ગારીયાધારથી પાલિતાણા રોડ પર મોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બીજી તરફ, પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાની સત્તાવાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી ૩ સપ્ટેમ્બરથી ૫ દિવસ માટે મેળો યોજવાનો નિર્ણય લેવાયો છે. મેળામાં મનોરંજન રાઈડ્સની ટિકિટનો મહત્તમ ભાવ રૂ. ૫૦ નક્કી કરાયો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Rashifal 4 August 2026 : જાણો કઈ રાશિના જાતકોને મળશે આર્થિક લાભ અને કોણે રાખવી સાવધાની?