Gujarat Police : DGP વિકાસ સહાયનું અભિયાન સફળ:જામીન પરથી ફરાર ૪૧ ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા!
Gujarat Police: ગુજરાતના પોલીસ વડા (DGP)વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા ખૂંખાર આરોપીઓને પકડવા માટે તા. ૨૬મી નવેમ્બરથી શરૂ કરેલું વિશેષ અભિયાન **'ઓપરેશન કારાવાસ'**માં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ ઓપરેશન થકી કાયદાથી દૂર રહેલા અનેક ગંભીર ગુનેગારોને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.
Gujarat Police : ૧૫ દિવસમાં ૪૧ આરોપીઓ ઝડપાયા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ ઓપરેશનની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, પોલીસે છેલ્લા ૧૫ દિવસમાં ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ પકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા ગુનેગારોનો સમાવેશ થાય છે, જેઓ પેરોલ કે જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ફર્યા નહોતા.
પકડાયેલા આરોપીઓ: ૪૧
૫ વર્ષથી વધુ સમયથી ફરાર: ૧૫ આરોપીઓ
મૃત્યુ પામેલા હોવાનું જાણવા મળ્યું: ૨૫ આરોપીઓ (તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી કાર્યવાહી હાથ ધરાઈ છે.)
Gujarat Police: હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનું સંકલન
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પોલીસની આ સફળતા પાછળની મહેનતને બિરદાવતા કહ્યું કે, પોલીસે માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કર્યો હતો, જેના કારણે આટલી મોટી સંખ્યામાં ફરાર આરોપીઓને પકડવામાં જહેમત ઉઠાવીને સફળતા મળી છે.
ફરાર આરોપીઓ ખૂબ લાંબા સમયથી કાયદાથી દૂર રહેવા માટે અન્ય રાજ્યોમાં પણ પોતાની ઓળખ અને હુલિયો છુપાવીને રહેતા હતા. આવા જટિલ કિસ્સાઓમાં પણ ગુજરાત પોલીસે દિવસ-રાત એક કરીને આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનિશન સ્થાપિત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.
સતત કાર્યવાહી ચાલુ રહેશે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 'ઓપરેશન કારાવાસ'ની સફળતા બદલ સમગ્ર ટીમોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે તમામ પોલીસ કમિશનરશ્રીઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપી છે કે કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને વહેલી તકે પકડવા માટે આ કાર્યવાહી હજી પણ ચાલુ રાખવામાં આવનાર છે.
આ પણ વાંચો : Energy Conservation :સોલાર ઊર્જામાં ગુજરાત નંબર વન: 'પીએમ સૂર્ય ઘર'ના લક્ષ્યાંકનો ૪૯% હિસ્સો પૂર્ણ