Gujarat Police PRO Kendra : ગુજરાત પોલીસમાં ન્યાયનું નવું સરનામું
Gujarat Police PRO Kendra : રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ 'જનસંપર્ક કેન્દ્ર' નાગરિકો માટે વિશ્વાસનું નવું સરનામું બન્યું છે.ગુજરાત પોલીસની આ નવતર પહેલ છે.
રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત કરવા તેમજ પારદર્શિતા વધારવાના ઉમદા હેતુથી ગાંધીનગર પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું "જનસંપર્ક કેન્દ્ર" આજે સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવાનું એક સક્ષમ માધ્યમ બની ગયું છે. સિંગલ-વિન્ડો સિસ્ટમ(Single-window system) પર કાર્યરત આ કેન્દ્રના માધ્યમથી હવે અરજદારોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને તેમની ફરિયાદોનું સમયસર નિવારણ થઈ રહ્યું છે.
તાજેતરમાં રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે. એલ. એન રાવે આ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ તેની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી.
Gujarat Police PRO Kendra : ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’નું સાચું પ્રતિબિંબ
જનસંપર્ક કેન્દ્રની સમીક્ષા દરમિયાન રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવે જણાવ્યું હતું કે, "આ કેન્દ્ર એ માત્ર અરજીઓ સ્વીકારવાની જગ્યા નથી, પરંતુ તે ગુજરાત પોલીસની 'સુરક્ષા, સેવા અને વિશ્વાસ'ની ભાવનાને ઉજાગર કરતું માધ્યમ છે. અમારી પ્રાથમિકતા એ છે કે કચેરીના પગથિયાં ચઢતો દરેક સામાન્ય અને ગરીબ માણસ અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પાછો ફરે." તેમણે ઉમેર્યું હતું કે, અહીં આવતી અરજીઓને પ્રાધાન્ય આપી તેનો ત્વરિત ઉકેલ લાવવા માટે જિલ્લા કક્ષાએ પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.
Gujarat Police PRO Kendra : કેવી રીતે કામ કરે છે આ સિંગલ-વિન્ડો વ્યવસ્થા?
અરજદારોની સુવિધા માટે જનસંપર્ક કેન્દ્રની કાર્યપદ્ધતિને ૫ મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે:
પ્રાથમિક નોંધણી: રિસેપ્શન ડેસ્ક પર નાગરિકોની વિગતો નોંધી તેમને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
રૂબરૂ સુનાવણી: ઉચ્ચ અને જવાબદાર અધિકારીઓ દ્વારા અરજદારને શાંતિથી સાંભળીને કેસની વિગતો નોંધવામાં આવે છે.
ત્વરિત પ્રક્રિયા (ફોરવર્ડિંગ): ફરિયાદોની વિધિવત નોંધણી કરી, યોગ્ય કાર્યવાહી માટે તેને સંબંધિત જિલ્લા કે શહેરના પોલીસ એકમોને મોકલી દેવાય છે.
અહેવાલ અને સમીક્ષા: નિર્ધારિત સમયમાં ફિલ્ડ યુનિટ પાસેથી રિપોર્ટ મંગાવી, તેનું બારીકાઈથી પરીક્ષણ કરી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરાય છે.
બે સ્તરીય ફીડબેક સિસ્ટમ: કામગીરીમાં સતત સુધારા માટે કાર્યાલય અને જિલ્લા સ્તરે ફીડબેક ફોર્મ ભરાવાય છે. ઉપરાંત, ટેલિફોન દ્વારા સંપર્ક કરી અરજદારને કેસની પ્રગતિની જાણ પણ કરાય છે.
નાગરિકોને મળ્યો ત્વરિત ન્યાય (સફળતાના કિસ્સા)
ગત ૨ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ કેન્દ્રમાં મોટાભાગની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવામાં આવ્યું છે.
ભાવનગરના અરજદારનો કિસ્સો: ભાવનગરના જીગરભાઈ ભટ્ટે આ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રના ત્વરિત ફોલોઅપ તેમજ PI પલક પટેલ અને PSI એમ.જે. પટેલના સહયોગથી અરજદારની મુલાકાત સંબંધિત IPS અમિતા વનાણી સાથે કરાવવામાં આવી. પરિણામે, તેમના કેસના આરોપીની તાત્કાલિક ધરપકડ થઈ અને પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો.
સાણંદના અરજદારનો પ્રતિભાવ: સાણંદના નરેશભાઈ દુલેરાએ પોલીસ વિભાગની આ સેવાને બિરદાવતા તેને "નાના માણસો માટે ન્યાયનું આશા કિરણ અને જનહિતની ઉત્તમ પહેલ" ગણાવી હતી.
આ નાગરિક કેન્દ્રિત અભિગમે સાબિત કર્યું છે કે જનસંપર્ક કાર્યાલય માત્ર કાગળિયા સ્વીકારતી ઓફિસ નથી, પરંતુ પોલીસ અને જનતા વચ્ચેના વિશ્વાસનો એક મજબૂત સેતુ છે, જે પોલીસ તંત્રને વધુ લોકભોગ્ય અને જવાબદાર બનાવી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat Government Order: રાજ્યના 6 વરિષ્ઠ IAS અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ

