Gujarati Top News : આજે 14 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 14 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાતના વિવિધ શહેરોમાંથી આજે અનેક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યના વિકાસ, આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં પીવાના પાણી, કમોસમી વરસાદના નુકસાન અને સિંહોની વસ્તી ગણતરી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે, જ્યારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે નવી એસ્ટ્રોનોમી ગેલેરીનું ઉદ્ઘાટન અને સિવિલ હોસ્પિટલમાં મેદસ્વિતા ઘટાડવા માટે ડાયટિશિયન OPDની શરૂઆત થઈ છે. આ ઉપરાંત, કચ્છમાં પાણીની અછત, જામનગર અને સુરતમાં તિરંગા યાત્રા, વડોદરામાં યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયાનો વિવાદ, ભાવનગરમાં સ્વચ્છતાની સમસ્યા અને મહેસાણામાં વાહન ફિટનેસ કૌભાંડ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં છે. આ બધું ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ યોજનાઓનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે, બુધવારે સવારે 10 વાગ્યે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, સાથે જ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પણ થશે. કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેની ચર્ચા થશે, અને વન વિભાગ દ્વારા સિંહોની વસ્તી ગણતરીના આંકડાઓની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના આગામી યોજનાઓ અને નીતિગત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ થશે.
અમદાવાદમાં સ્પેસ સાયન્સ ગેલેરી માટે તૈયારીઓ પૂર્ણ
આવતીકાલે, 15 મે, 2025ના રોજ અમદાવાદની સાયન્સ સિટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ સંદર્ભે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર (IAS) આજે, 14 મે, 2025ના રોજ બપોરે 3:30 વાગ્યે ગેલેરીનું નિરીક્ષણ કરશે અને મીડિયાને માહિતી આપશે. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને આ કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી છે.
સિવિલ હોસ્પિટલમાં મેદસ્વિતા માટે નવી ડાયટ OPD શરૂ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેદસ્વિતા ઘટાડવા માટે નવી ડાયટિશિયન OPD શરૂ કરવામાં આવી છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતા મુક્ત ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો ભાગ છે. 1200 બેડની હોસ્પિટલ ખાતે આ OPD (રૂમ નં. G-025) દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે. આ સેવા હેઠળ નિષ્ણાત ડાયટિશિયન દ્વારા મેદસ્વિતા ઘટાડવા, NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળકો, તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કાઉન્સેલિંગ, વ્યક્તિગત ડાયટ પ્લાન અને યોગ્ય આહાર માર્ગદર્શન આપવામાં આવશે.
ભુજમાં પાણીની અછત
ભુજમાં નર્મદાના પાણીની અછતને કારણે પાણીની સમસ્યા વધી છે. આ મુદ્દે સ્થાનિક લોકો અને પાલિકાના જવાબદારોના ઈન્ટરવ્યૂ સાથે વિગતવાર સ્ટોરી તૈયાર કરવામાં આવશે.
આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે
ઓપરેશન સિંદૂરના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરમાં આવતીકાલે, 15 મે, 2025ના રોજ સાંજે 4:30 વાગ્યે તિરંગા યાત્રા (બાઈક રેલી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં શહેરની સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. યાત્રા લાખોટા લેકથી શરૂ થઈ ડી.કે.વી. સર્કલ ખાતે સમાપ્ત થશે.
વડોદરા યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પર વિવાદ
વડોદરાની યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જી-કાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ વર્ષે બે વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ હાજર રહેવું પડે છે, જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થી સંગઠનોએ આના વિરોધમાં આંદોલનની ચીમકી આપી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયામાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે, તો વિવાદ થવાની શક્યતા છે.
ઓપરેશન સિંદૂર બાદ સુરતમાં તિરંગા યાત્રા
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને કારમો જવાબ આપ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરતમાં દેશની રક્ષા કરનાર જવાનોના સન્માનમાં આવતીકાલે, 15 મે, 2025ના રોજ સાંજે 5:30 વાગ્યે ભાગળ ચાર રસ્તાથી ચોક બજારની ગાંધી પ્રતિમા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરમાં સફાઈ અભિયાન ફેલ?
ભાવનગરના નિર્મણનગર વિસ્તારમાં લાંબા સમયથી રોડ પર કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. મનપાના સ્વચ્છતા અભિયાન છતાં કચરો નિયમિત ઉપડતો નથી, જેના કારણે રહેવાસીઓને માંદગીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો નિયમિત કચરા ઉપાડવાની માંગ કરી રહ્યા છે.
ફિટનેસ સર્ટિફિકેટમાં ચેડાં, મહેસાણામાં મોટું કૌભાંડ
મહેસાણામાં વાહનોના ફિટનેસ ટેસ્ટમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. હેડુવા-રાજગર ખાતે આવેલા નમન ઈલેક્ટ્રોનિક ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન પર 316 અનફિટ વાહનોને ફિટ જાહેર કરી, ફોટો મોર્ફિંગ અને સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરીને વાહનોના ફોટો મોર્ફ કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અનફિટ વાહનોને ફિટ ઘોષિત કરી જનતાની સલામતી સામે જોખમ ઉભું કર્યું છે.
આ પણ વાંચો : Gujarati Top News : આજે 13 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?