બેદરકારી, વાવાઝોડામાં પડી ગયેલી વીજ લાઇનમાં અચાનક વીજ પ્રવાહ ચાલુ થઇ ગયો
અહેવાલ---ઇરફાન મકરાણી, દેવગઢબારિયા દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાળા ગામે સાત દિવસ અગાઉ વાવાઝોડામાં પડેલી વીજ લાઈનમાં અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા ત્રણ બકરાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણથી વધુ બકરાનો ગ્રામજનોએ બચાવ કર્યો હતો. બનાવમાં વીજ...
06:52 PM Jun 05, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ---ઇરફાન મકરાણી, દેવગઢબારિયા
દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાળા ગામે સાત દિવસ અગાઉ વાવાઝોડામાં પડેલી વીજ લાઈનમાં અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા ત્રણ બકરાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણથી વધુ બકરાનો ગ્રામજનોએ બચાવ કર્યો હતો. બનાવમાં વીજ તંત્રની ઘોર બેદરકારી બહાર આવતાં ગ્રામજનોમાં વીજ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
વીજ લાઈનને છૂટી પાડી દેવામાં આવી હતી
દેવગઢબારિયા તાલુકાના કોળીના પુવાળા ગામે અગાઉ 28 મેના રોજ આવેલા વાવાઝોડામાં ગુણા ફીડરની ખેતીવાડીની વીજ લાઈનનો વીજપોલ તૂટી જતા તેના વીજ વાયરો ખેતરોમાં ખુલ્લા પડ્યા હતા. જે બાબતની જાણ ગ્રામજનો દ્વારા વીજ કંપનીને કરવામાં આવતા વીજ કંપની દ્વારા આ વીજ લાઈનને છૂટી પાડી દેવામાં આવી હતી અને તે પછી આજ દિન સુધી આ રીતે છુટી પાડેલી વીજ લાઇનને જોવા તંત્રના કોઇ કર્મી પણ આવ્યા ન હતા.
કરંટ લાગતાં 3 બકરાના મોત
દરમિયાન આજે બપોરના સમયે બકરાનું ટોળું ચરતા ચરતા આ વીજ લાઈન પાસે આવી ચઢતા છ થી વધુ બકરાને અચાનક વીજ કરંટ લાગતા ગ્રામજનોએ બુમાબુમ કરી હતી અને સ્થળ પર દોડી આવી ત્રણથી વધુ બકરાને વીજ વાયરથી દૂર કરી બચાવી લીધા હતા જ્યારે ત્રણ જેટલા બકરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું .
વીજ તંત્રની ઘોર બેદરકારી
વીજ લાઈન ચાલુ હોવાના કારણે બકરાનું મોત થતા ગ્રામજનોએ તાત્કાલિક વીજ લાઈન બંધ કરવા માટે વીજ તંત્રને ટેલીફોનિક જાણ કરવા છતાં પણ આ વીજ તંત્ર દ્વારા જાણે બનાવની કોઈ ગંભીરતા ના હોય તેમ તાત્કાલિક રાહે કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી અને કોઈ વીજ કર્મી દોઢ કલાકથી વધુ સમય થવા છતાં પણ ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. જો ખેતરમાં ખેતી કામ કરતા કોઈ ખેડુત કે પછી અન્યને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતો તો જવાબદાર કોણ જેવા સવાલો ઊભા થવા પામ્યા હતા.
Next Article