પાલનપુરના ચિત્રાસણી ગામે ગટરનું ગંદુ પાણી ફરી વળતા ગ્રામજનોમાં આક્રોશ
અહેવાલ : સચિન શેખલીયા
પાલનપુરના ચિત્રાસણી ગામે નેશનલ હાઇવે ઓથોરિટી અને એલએનટીની બેદરકારીના કારણે ગંદા પાણીનો નિકાલ ના થતાં ગ્રામજનોએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણી ગામની બાજુમાં જ ભરાઈ રહે છે જેના કારણે ગ્રામજનોને રોગચાળાની દહેશત છે. દુર્ગંધ મારતા આ પાણીને દૂર કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે ગ્રામજનો એકઠા થઈને વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો પરેશાન છે. ગંદા પાણીના કારણે રોગચાળાની દહેશત ગ્રામજનોને સતાવી રહી છે. ગામની બાજુમાં જ આ ગંદુ પાણી ભરાઈ રહે છે તેમજ આ પાણીની બાજુમાં સર્વિસ રોડ આવેલો છે તેમ જ સ્મશાન અને ખેતરો પણ આવેલા છે ત્યારે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓ આ ગંદા પાણીને લઈને વેઠવી પડી રહી છે. પહેલા આ ગામનું પાણી બારોબાર વહી જતું હતું પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવીન રોડ બનાવવામાં આવતા ત્યાર બાદ પાણી નીકળવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે હવે આ પાણી આગળ જઈ શકતું નથી અને પાણી ગામની બાજુમાં ભરાઈ રહે છે. ગ્રામજનોએ આજે વિરોધ કરી આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે ગામના શોરબખાન સિંધીએ જણાવ્યું હતું કે, અમારા ચિત્રાસણી ગામે ભરાઈ રહેતા આ ગંદા પાણીને લઈને પાલનપુર ધારાસભ્ય, બનાસકાંઠા સંસદ સભ્ય તેમજ અનેક અધિકારીઓ સહિત તંત્રને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગંદા પાણીની દુર્ગંધથી ગ્રામજનો પરેશાન છે રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે ગ્રામજનો આજે એકઠા થઈને ચિત્રાસણી ગામે વિરોધ નોંધાવ્યો હતો અને આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે ગાંધીનગર સુધી જવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. અને ચીમકી ઉચ્ચારી હતી કે જો આનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો નેશનલ હાઇવે ઓથોરીટીના તમામ કામો બંધ કરાવશે અને હાઇવે પણ બ્લોક કરી દેશે.
તાત્કાલિક ગટરનું પાણી નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધીનગર જઈશું
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના મહિલા સરપંચ રાજીબેન ચૌધરી જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા દસેક વર્ષથી ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા અમારા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દઇશ જ છે જો તાત્કાલિક આ ગટરનું પાણીનું નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું.
સ્મશાનમાં જવું પણ મુશ્કેલ બન્યું
નેશનલ હાઈવે ઓથોરિટી ના મનમાં વિના કારણે ગામમાં આવેલ અનુસૂચિત જાતિના લોકોનું બાજુમાં સ્મશાન આવેલું છે જેને લઈ અમારે ત્યાં જવું ભારે તકલીફ પડી રહી છે તેવું ખાનાભાઈ પરમારે જણાવ્યું હતું.
આ પણ વાંચો : જુનાગઢમાં સફાઇ કામગીરી અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ, સફાઇકર્મીઓનું સન્માન કરાયું