BOBMC : ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ
- BOBMC -UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025
- 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી આયોજિત આ 3 દિવસીય ઇવેન્ટમાં ભારતભરના 2000થી વધુ બાઈક રાઇડર્સે ભાગ લીધો
- 2 ફેબ્રુઆરીના રોજ 200થી વધુ રાઇડર્સે બાઇક પર ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર, રોડ થ્રુ હેવન પર સર્જાયા અદ્ભુત દ્રશ્યો
‘BOBMC રાઇડર મેનિયા 2025’ કે જે ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ગણાય છે તેનું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. UNWTO -યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાંકે, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવાકે મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટરસાયકલિંગ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો.
ગુજરાતમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, “ગુજરાતમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેમજ રાજ્યમાં વૈવિધ્યસભર લેન્ડફોર્મ્સ આવેલા છે, જે તેને વિશ્વસ્તરીય બાઇકિંગ ડેસ્ટિનેશન બનાવે છે. હું તમામ બાઇકર્સને કહેવા માંગું છું કે આવો, અને દુનિયાની સૌથી સુંદર સડક અને સૌથી શાંત જગ્યાએ સફર કરો.” આ પ્રકારની ઇવેન્ટના આયોજનથી લોકોને જાણ થશે કે ગુજરાતમાં ઓફ રોડિંગ, સોલો રાઇડિંગ વગેરે માટે પણ ઘણી ઉજળી તકો છે.
ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત થઈ BOBMC રાઇડર મેનિયા 2025
BOBMC રાઇડર મેનિયા એ ભારતની ખૂબ જ પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ છે, જે છેલ્લા 22 વર્ષોથી આયોજિત થાય છે. બાઇક રાઇડર્સના પ્રતિષ્ઠિત ક્લબ દ્વારા આ ઇવેન્ટ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષનું આયોજન બુલેટ બટાલિયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રોયલ એનફિલ્ડ બાઇકપ્રેમીઓનું એક પ્રમુખ ક્લબ છે. ઉલ્લેખનીય છે કે, BOBMC એ બાઇકર કોમ્યુનિટી છે અને રાઇડર મેનિયા તેમની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. ગુજરાતમાં આ ઇવેન્ટ પ્રથમ વખત આયોજિત કરવામાં આવી છે.
મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ લીધો રાઇડર મેનિયા 2025માં ભાગ
ઉલ્લેખનીય છે કે, ધોરડોમાં યોજાયેલી રાઇડર મેનિયા 2025 ઇવેન્ટમાં મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ એક બાઇકર તરીકે ભાગ લીધો હતો. તેમણે ધોરડો ખાતે બાઇક રાઇડિંગની મજા માણી અને જણાવ્યું હતું કે સોલો રાઇડિંગ માટે, સોલો વુમન ટ્રાવેલર માટે ગુજરાત બેસ્ટ છે.
રેખા પાંડે ઉપરાંત, અન્ય ઘણી મહિલાઓએ પણ સોલો રાઇડર્સ તરીકે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેઓ અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાત આવી હતી. આ સાથે જ એક-બે દીવ્યાંગ લોકો પણ બાઇક રાઇડ કરીને ધોરડો પહોંચ્યા હતા. તેઓએ ધોરડો ઉપરાંત, ત્યાંના આસપાસના કાળો ડુંગર, કોટેશ્વર વગેરે પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. આ ઇવેન્ટ બાદ તેઓ ગુજરાતના અલગ-અલગ સ્થળોએ પ્રવાસ કરશે. જેમકે, એક ગ્રુપ સૌરાષ્ટ્ર જશે, તો બીજું ગ્રુપ ઉત્તર ગુજરાતના સ્થળોએ જશે, તો કોઈક દક્ષિણ ગુજરાતના સ્થળોને એક્સપ્લોર કરશે. ત્યારબાદ તેઓ પોતાની પરત યાત્રા શરૂ કરશે.
BOBMC રાઇડર મેનિયા 2025માં યોજાઈ વિવિધ પ્રવૃત્તિઓ
BOBMC-3 દિવસીય આ ઇવેન્ટ દરમિયાન શોર્ટ ટ્રેક રેસિંગ, સ્લો બાઇક સ્પર્ધા અને વિન્ટેજ મોટરસાયકલ શૉ જેવી વિવિધ મોટરસાયકલિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક શૉ, સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ, દોરડાખેંચ અને આર્મ રેસલિંગ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. મોટરસાયકલ ચલાવવાના શોખીનો માટે આ સમગ્ર ઇવેન્ટ ખૂબ જ રસપ્રદ રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા ગરબા તેમજ તલવાર રાસની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
ગુજરાતની મહેમાનગતિનો ભરપૂર આનંદ માણ્યો
ભારતભરમાંથી આવેલા બાઇક રાઇડર્સે ગુજરાતી વાનગીઓ અને ગુજરાતની મહેમાનગતિનો ભરપૂર આનંદ માણ્યો હતો. બાઇક રાઇડર્સે ધોરડોની આસપાસના પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. તેમણે રણોત્સવની અદ્ભુત વ્યવસ્થા, રણના કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીની વ્યવસ્થા વગેરેની ખૂબ પ્રશંસા કરી હતી.
ઇંદોરથી રાઇડર મેનિયામાં ભાગ લેવા આવેલા શ્રી કૃણાલ ભાટિયાએ જણાવ્યું કે, “ગુજરાતમાં આવીને અમને બહુ સારું લાગ્યું. અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતમાં બાઇક રાઇડ કરવા માટે ખૂબ સારા રોડ-રસ્તાઓ છે. અમારી જે રાઇડર મેનિયા ઇવેન્ટ હતી તેમાં પણ ખૂબ મજા આવી. હું તેમાં ભાગ લઇને અને ગુજરાત આવીને 100 ટકા સંતુષ્ટ છું. આ માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું.”
આ જર્ની ખૂબ જ શાનદાર રહી
રાઇડર મેનિયા 2025માં ભાગ લેવા માટે અરૂણાચલપ્રદેશથી પાંચ મહિલાઓનું ‘અરૂણાચલ બુલેટ ક્લબ’ નામક એક ગ્રુપ ગુજરાત આવ્યું હતું. આ ક્લબના રાખી આગમદુઈએ જણાવ્યું કે, “અમે બધાએ પહેલી જ વખત રાઇડર મેનિયામાં ભાગ લીધો છે. અમારી જર્ની 15 જાન્યુઆરીના રોજ કિબિતુથી શરૂ થઈ હતી. કિબિતુથી ગુજરાત સુધીની અમારી જર્ની ખૂબ જ સરસ રહી હતી. ગુજરાતની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ, કે જે ટ્રાફિકની સિચ્યુએશન હતી એમાં અમને સાથ આપ્યો. અમે રસ્તામાં ક્યાંય ભટકી ગયા તો અમને સામેથી બોલાવીને સાચી દિશા પણ બતાવી. અમે રાઇડર મેનિયા કમિટી અને ગુજરાતના લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.” ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાની જર્ની ભારતના સૌથી પૂર્વીય સ્થળ કિબિતુથી શરૂ કરી હતી અને તેઓ ભારતના સૌથી પશ્ચિમી સ્થળ (વેસ્ટર્ન મોસ્ટ પોઇન્ટ ઑફ ઇન્ડિયા) કોટેશ્વર સુધી બાઇક લઇને પહોંચ્યા હતા. તેમની આ જર્ની ખૂબ જ શાનદાર રહી હતી.
200 જેટલા બાઇક રાઇડર્સે રોડ થ્રુ હેવન મારફતે ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર
ઇવેન્ટના ત્રીજા દિવસની સવારે ધોરડો આવેલા બાઇકર્સમાંથી લગભગ 200 જેટલા રાઇડર્સે પોતાની બાઇક પર ‘રોડ થ્રુ હેવન’ મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની સફર ખેડી હતી. તેમની આ સફર ખૂબ જ શાનદાર રહી હતી. રોડ થ્રુ હેવન પરથી પસાર થતી બાઇકોના કારણે લોકોને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઇને પણ રોમાંચિત કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બહારથી આવેલા લોકોએ અહીંયા ઘણા ફોટા પડાવ્યા હતા અને રોડ થ્રુ હેવનની સુંદરતાને મનભરીને માણી હતી.
આ પણ વાંચો-Surat જિલ્લાનું ધજ ગામ, ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ