જામનગર એલસીબી પોલીસે દ્વારકા જતા શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓના થેલા ચોરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. એક વૃદ્ધ સન્યાસીને નિશાન બનાવ્યા બાદ પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે શરમત ગામ પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. આ ટોળકી પાસેથી 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. મુખ્ય આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે
Jamnagar LCB police arresting a theft gang: જામનગર (Jamnagar) એલસીબી (LCB) પોલીસે પદયાત્રીઓને નિશાન બનાવતી એક શાતિર અને સક્રિય ચોર ટોળકીને ઝડપી પાડીને મોટો સફળતા મેળવી છે. આ ટોળકી દ્વારા દ્વારકા જતા વૃદ્ધ સન્યાસીના થેલામાંથી હજારો રૂપિયાની ચોરી કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા
પોલીસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત ગુપ્ત બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ફિલ્ડમાં વોચ ગોઠવી હતી. આ સઘન તપાસ દરમિયાન શરમત ગામના પાટિયા પાસેથી આ ટોળકીના ત્રણ સભ્યોને પોલીસે રંગેહાથ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં બે મુખ્ય સાગરીતો અને એક કિશોરનો સમાવેશ થાય છે.
Jamnagar: 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓની અંગઝડતી અને તપાસ દરમિયાન ચોરી કરેલા રોકડા રૂપિયા તેમજ ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કબજે કર્યું છે. આમ, કુલ 1.06 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીનો મુખ્ય આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને તેની જામનગરના અલગ-અલગ વિસ્તારોમાં અનેક ગુનાઓમાં સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પદયાત્રીઓના વિશ્વાસનો લાભ લઈને આવી ચોરી કરતી ટોળકીના પકડાઈ જવાથી શ્રદ્ધાળુઓએ રાહત અનુભવી છે.
આ પણ વાંચો: Ahmedabad: કઠવાડા GIDC માં AMCની તવાઈ, પાન-મસાલામાં વપરાતો 450 કિલો શંકાસ્પદ ચૂનો ઝડપાયો