Jamnagar: વહેલી સવારે મકાનની છત ધરાશાયી, 5 લોકોનું શું થયું?
- Jamnagar માં વહેલી સવારે એક જર્જરિત મકાનની છત ધરાશાયી થઈ
- વૃદ્ધ મહિલા સહિત કુલ 5 સભ્યો કાટમાળ નીચે ફસાયા હતા
- ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરાયું
- તમામ ઘાયલ સભ્યોનો બચાવ થયો, મોટી જાનહાનિ ટળી
Jamnagar માં 5 લોકો ઈજાઓનો ભોગ બન્યા
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં અચાનક જ મકાનની છત ઘસી પડી હતી. આ ઘટના વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. જર્જરિત હાલતમાં રહેલા આ મકાનના ઉપરના અને નીચેના માળની છત એકસાથે તૂટી પડી હતી. છત ધરાશાયી થતાં નીચે સૂતેલી એક વૃદ્ધ મહિલા સહિત ઉપરના માળે સૂતેલા કુલ 5 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમનું રેસ્કયુ કરી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Jamnagar ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરાઈ
સદ્ભાગ્યે જે રૂમમાં મુખ્ય છત ધરાશાયી થઈ તેની બરાબર બાજુના રૂમમાં પરિવારના અન્ય ત્રણ સભ્યો સૂતા હતા, જેના કારણે તેઓ આ દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયા હતા. જોકે, ધરાશાયી થવાનો જોરદાર અવાજ થતાં પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરી હતી.
બચાવ થતાં પરિવારે રાહતનો શ્વાસ
જાણ થતાં જ જામનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કાટમાળ હટાવીને તમામ પાંચેય ઘાયલ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધ મહિલા સહિત તમામ પાંચ ઘાયલોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ તેમનો આબાદ બચાવ થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
ઘાયલ થયેલા વૃદ્ધ હુસેનભાઈ સાટીએ શું કહ્યું?
આ ઘટના અંગે પરિવારના સભ્ય અને ઘાયલ થયેલા વૃદ્ધ હુસેનભાઈ સાટીએ જણાવ્યું હતું કે, "છત ધરાશાયી થાય તે પહેલાં ઉપરથી ધૂળ ખરવાની શરૂઆત થઈ હતી. મને શંકા જતાં હું તરત જ થોડો સાઈડમાં ખસી ગયો હતો, જેના કારણે હું ગંભીર ઈજામાંથી બચી ગયો." તેમણે વધુમાં જણાવ્યું કે, જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા તેમના જર્જરિત મકાન અંગે અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. હવે આ મોટી દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા (JMC) આ જર્જરિત મકાનને ડિમોલાઇઝ કરવાની કાર્યવાહી હાથ ધરશે. જોકે, આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વરસાદ પહેલાં જર્જરિત મકાનો ખાલી કરાવવાની તાતી જરૂરિયાત ઊભી કરી છે.