Jeevan Aastha : ગુજરાતના લાખો હતાશ અને હારેલા લોકો માટે સંજીવની
- Jeevan Aastha : સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે 'જીવન આસ્થા' ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
..... - જીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન રોજ સરેરાશ ૪૦ થી ૫૦ ફોન કોલ્સ દ્વારા માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને કાઉન્સેલિંગ પૂરું પાડે છે
...... - હેલ્પલાઇનના અવેરનેસ અને ટેકનિકલ સપોર્ટ માટે ગુજરાત સરકાર તરફથી બજેટ ઉપરાંત આજે વધારાના રૂપિયા પાંચ કરોડ ફાળવવા મંત્રીશ્રીની જાહેરાત
- સરકારના આવા પ્રયત્નોથી જો એક વ્યક્તિનું જીવન બચી શકે છે, તો આ પ્રોજેક્ટ પાછળ થયેલો તમામ ખર્ચ સાર્થક છે
- સ્યુસાઇડ પ્રિવેન્શન એન્ડ મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ માટે કાર્યરત હેલ્પલાઇન 'જીવન આસ્થા'ના ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ નંબરને પણ ઇમર્જન્સી નંબર-૧૧૨ સાથે જોડવાની દિશામાં વિચારણા
Jeevan Aastha : ગાંધીનગર શહેર ખાતે ટાઉન હોલમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ ગુજરાત પોલીસની 'જીવન આસ્થા' હેલ્પલાઇનની ૧૦ વર્ષની જ્વલંત સફળતાને બિરદાવી, હેલ્પલાઇનના સૌ કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ઉપરાંત આ હેલ્પલાઇનની સેવામાં સદાય તત્પર રહેનાર મનોચિકિત્સકોને અભિનંદન પાઠવી તમામનું સન્માન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે 'જીવન આસ્થા' ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે.
Jeevan Aastha-સફળતાના ૧૦ વર્ષ અને રેકોર્ડબ્રેક કામગીરી
આ હેલ્પલાઇનની સફળતાના ૧૦ વર્ષ અને રેકોર્ડબ્રેક કામગીરી અંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ ગાંધીનગર જિલ્લા પોલીસે શરૂ કરેલી આ હેલ્પલાઇન આજે રાજ્યવ્યાપી બની છે. જેમાં હવે ગુજરાતથી જ નહિ, અન્ય રાજ્યોમાંથી પણ કોલ આવે છે અને તે નાગરિજોને પણ કાઉન્સેલીંગ કરી મૃત્યુના વિચારને મુળમાંથી નિકાળી નવી જિંદગી જીવવા બળ આપવામાં આવે છે. દસ વર્ષના કાર્યકાળમાં, આ હેલ્પલાઇન થકી દોઢ લાખથી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી સારું કામ કરતી ગુજરાતની સૌથી મોટી હેલ્પલાઇનનો રેકોર્ડ છે. આ દોઢ લાખ માત્ર કોલ જ નથી, દોઢ લાખ પરિવારોના મોભી, પરિવારનો ચિરાગ કે પરિવારની લક્ષ્મીને બચાવી લઇને આ દોઢ લાખ પરિવારોની ખુશીને જીવંત રાખવાનું કાર્ય આ ટીમ દ્વારા કરવામાં આવ્યુ છે.
Jeevan Aastha : નિરાશ લોકોને જીવન તરફ પાછા વાળવાનું આ કાર્ય
મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય ગુજરાત હતું જેને આ પ્રકારના પ્રયાસ કરીને લોકોના જીવન બચાવવાનું કાર્ય કર્યું છે. જિંદગી ખતમ કરવાનું વિચારતા નિરાશ લોકોને જીવન તરફ પાછા વાળવાનું આ કાર્ય સૌથી મોટું પૂણ્યનું કાર્ય છે. ગુજરાત પોલીસના અનેક સારા કાર્યો પૈકી જો કોઈ સર્વશ્રેષ્ઠ કાર્ય હોય તો તે લોકોના જીવ બચાવવાનું છે. તણાવ અને હતાશામાં સપડાઈને કોઈ વ્યક્તિ ટ્રેન પાસે, કોઈ કેનાલ પાસે, કોઈ પંખે દુપટ્ટો બાંધી કે કોઈ હાથમાં પોઈઝનની શીશી લઈને જ્યારે આપઘાત કરવાનું મક્કમતાથી વિચારી બેઠી હોય ત્યારે આવી વ્યક્તિને માનસિક સપોર્ટ સાથે સાથે કાઉન્સિલિંગ અને અન્ય તમામ જરૂરી મદદ પૂરી પાડી તેમને મોતના મોંમાંથી પાછું લઈને આવું તેનાથી મોટું કોઈ કાર્ય હોય ન શકે.
આ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરી રહેલી આ ટીમને આ હેલ્પલાઇનના વધુને વધુ અવેરનેસ અને ટેકનિકલ સપોર્ટ માટે ગુજરાત સરકાર તરફથી બજેટ ઉપરાંત આજે વધારાના રૂપિયા પાંચ કરોડ ફાળવવાની જાહેરાત મંત્રીશ્રીએ કરી છે.
સરકારના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે આ હેલ્પલાઇન એક નિઃશુલ્ક સેવા છે. પોલીસ વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓને નિમણૂક આપીને હતાશ નિરાશ લોકોને યોગ્ય કાઉન્સેલિંગ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યુ કે સરકારના આવા પ્રયત્નોથી જો એક પણ વ્યક્તિનું જીવન બચી શકે છે, તો આ પ્રોજેક્ટ પાછળ ખર્ચેલા તમામ પૈસા સાર્થક ગણાય છે.
Jeevan Aastha- હેલ્પલાઇનમાં કોલ કરનારની ઓળખ અને સમસ્યા ગુપ્ત રાખવામાં આવે છે,
મંત્રીશ્રીએ કેટલાક પ્રેરણાદાયક કિસ્સાઓ પણ રજૂ કર્યા જેમને બચાવવામાં આ ટીમ સફળ રહી છે, જેમાં પ્રેમ લગ્ન શક્ય ન લાગતા નર્મદા કેનાલ પાસે આત્મહત્યા કરવા ગયેલુ યુગલ, આર્થિક સંકડામણથી કંટાળીને રેલવે ટ્રેક પાસે સ્યુસાઇડ કરવા પહોંચી ગયેલા યુવાનને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ટ્રેસ કરીને ટ્રેક પરથી બચાવેલા વ્યક્તિ, અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા નાના વેપારીના આખા પરિવારનો કેનાલ પાસેથી બચાવ્યાના કિસ્સાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઓનલાઇન ગેમિંગમાં ૩૨ લાખ રૂપિયા ગુમાવનાર એક મોટિવેશનલ સ્પીકરને પણ આ હેલ્પલાઇને જીવવાનું મોટિવેશન આપ્યું હતું.
મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)નો આભાર માન્યો કે, ઓનલાઇન ગેમ્બલિંગ એપ્લિકેશનો પર સમગ્ર દેશમાં પ્રતિબંધ લાદ્યો છે.
અનેક નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન -Jeevan Aastha
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ‘જીવન આસ્થા’ની ટીમ દ્વારા દરરોજ સરેરાશ ૪૦ થી ૫૦ ફોન કોલ્સ દ્વારા માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને ગુજરાત પોલીસના સંકલનથી, ફોન અથવા રૂબરૂ કાઉન્સેલિંગ દ્વારા નાગરિકોને મદદ પૂરી પાડવામાં આવે છે. આ હેલ્પલાઇન હિન્દી, ગુજરાતી, અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં કાઉન્સેલિંગ પુરૂ પાડી રહી છે. આ હેલ્પલાઈન દ્વારા અનેક નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યા કરતાં પણ વધારે આત્મહત્યા થાય છે. તેમ છતાં માનસિક આરોગ્ય વિષય પર ચર્ચા હજુ પણ અત્યંત મર્યાદિત છે. આ પરિસ્થિતિમાં, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન સમયસર કાઉન્સેલિંગ આપીને અનેક નાગરિકોને આત્મહત્યાથી બચાવવાનો વિનમ્ર પરંતુ મહત્વનો પ્રયાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીવન આસ્થા હેલ્પલાઈન ગૃહ વિભાગ દ્વારા ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી. ‘જીવન આસ્થા’ના કાઉન્સેલર્સ અને મનોચિકિત્સકો દ્વારા નિ:શુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ તમામ સેવાઓ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્ર યાદવ, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, લક્ષ્મણજી ઠાકોર, જે.એસ.પટેલ તેમજ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Panchmahal ના રણજીતનગરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી દોડધામ!