કચ્છના Kandla Port પર મોટી દુર્ઘટના, જહાજમાં કામગીરી દરમિયાન ત્રણ શ્રમિકોના મોત
- Kandla Port પર જહાજમાં ત્રણ શ્રમિકોના કરૂણ મોત
- કચ્છના કંડલા પોર્ટ પર બર્થ નંબર 13 પર મોટી દુર્ઘટના
- M.V. PAN OPTIMUM જહાજમાં કામગીરી વેળા સર્જાયો અકસ્માત
- કાર્ગો હોલ્ડના મેનહોલ પાસે ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળ્યા
- રાજેશ, માસુક અલી અને રાજ કુમાર નામના શ્રમિકોના નિપજ્યા મોત
- ઝેરી ગેસ કે ગૂંગળામણના કારણે મોત થયાની આશંકાએ તપાસ શરૂ
Kandla Port Accident Labor Death: કચ્છના દીનદયાળ પોર્ટ (કંડલા) પર આજે એક અત્યંત ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પોર્ટના બર્થ નંબર 13 (Berth Number 13) પર લાંગરેલા 'M.V. PAN OPTIMUM' નામના જહાજમાં માલસામાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ત્રણ શ્રમિકોના કરૂણ મોત નિપજતા સમગ્ર પોર્ટ સંકુલમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા
ઘટનાની વિગતો મુજબ, જહાજના કાર્ગો હોલ્ડ (Cargo Hold) નંબર 03 ના મેનહોલ પાસે ત્રણ શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પામનાર શ્રમિકોની ઓળખ રાજેશ, માસુક અલી અને રાજ કુમાર તરીકે થઈ છે. આ ત્રણેય શ્રમિકો મીરા કાર્ગો હેન્ડલિંગ (Mira Cargo Handling) હેઠળ ઋષિ શિપિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં મજૂર તરીકે ફરજ બજાવતા હતા.
Kandla Port: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
જ્યારે જહાજના ક્રૂ મેમ્બર્સની (Crew Members) નજર આ બેભાન શ્રમિકો પર પડી ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોર્ટની એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે તેઓને ત્વરિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ કાર્ગો હોલ્ડમાં ઝેરી ગેસ અથવા ઓક્સિજનની કમી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતા જોતા પોર્ટ સત્તાવાળાઓ (Port Authorities) અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શ્રમિકોના મોત પાછળ સુરક્ષામાં કોઈ ક્ષતિ હતી કે કેમ તે દિશામાં પણ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Philippines Senate Firing : ફિલિપાઇન્સ સંસદમાં અંધાધૂંધ ગોળીબાર, સેનેટ સંકુલમાં મચી અફરાતફરી


