ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિધાનસભામાં 'કારખાના વિધેયક' અંગેની ચર્ચામાં ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે તડાફડી

વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે 'કારખાના વિધેયક' પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જાણો બિલ પર શું ગંભીર સવાલો ઉઠ્યા.
02:15 PM Sep 10, 2025 IST | Mihir Solanki
વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે 'કારખાના વિધેયક' પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જાણો બિલ પર શું ગંભીર સવાલો ઉઠ્યા.
Kantilal Amrutia Gopal Italia

Kantilal Amrutia Gopal Italia : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે, જેની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવી હતી. આ સત્રમાં કેટલાક મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાંનું એક છે 'કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025'. આ વિધેયક પર ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાતાવરણ એકાએક ગરમાયું હતું.

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે આ બિલને લઈને ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી, જેના કારણે ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. ચર્ચા દરમિયાન, કાંતિ અમૃતિયાએ શ્રમિકોના મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું કે, "લોકો બહારથી કામ કરવા આવે છે."  આના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો કે, "જે લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જાય છે, તેમનું શું?" આ ટૂંકી બોલાચાલીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે પડીને બંને સભ્યોને શાંત પાડવા પડ્યા.

ગોપાલ ઈટાલિયાએ સવાલો ઉઠાવ્યા

ગોપાલ ઇટાલિયાએ આ બિલ પર ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, "એવી તો શું ઇમરજન્સી હતી કે આ બિલ આ રીતે લાવવું પડ્યું? શ્રમિકોએ પોતે આ માટે કોઈ રજૂઆત કરી ન હતી." તેમણે આક્ષેપ કર્યો કે આ બિલ શ્રમિકોનું શોષણ કરનારા ઉદ્યોગપતિઓના સમર્થનમાં લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, "આ સત્રનું ટેલિકાસ્ટ થતું નથી. જો કામદારો આ બિલને જોતા હોત, તો શું તેઓ તેનું સ્વાગત કરત?"

તલાટી દેખાય તો લોકો ધન્યતા અનુભવે છે

ઇટાલિયાએ કટાક્ષપૂર્ણ રીતે કહ્યું કે જો ગુજરાતના વિકાસ માટે મજૂરો 12 કલાક કામ કરશે, તો શું શ્રમ વિભાગના સચિવો, મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ પણ 12 કલાક કામ કરશે? તેમણે તલાટી મંત્રીનું ઉદાહરણ આપતા કહ્યું કે, જો તેઓ માત્ર દેખાઈ પણ જાય તો લોકો ધન્યતા અનુભવે છે, અને બીજી તરફ મજૂરો પાસે 12 કલાક કામ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

નોકરી રક્ષણની કોઈ જોગવાઈ નહીં

તેમણે બિલમાં કામદારોની નોકરીના રક્ષણ માટે કોઈ જોગવાઈ ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. અંતમાં, તેમણે રાજકીય કટાક્ષ કરતા કહ્યું કે, "હું બોલતો હોઉં અને કોઈ ભાજપનો સભ્ય સામે બોલે તો તેની ટિકિટ કન્ફર્મ થઈ જવાની શક્યતા વધી જાય છે. મારાથી કોઈનું સારું થાય તો મને કોઈ વાંધો નથી." આ તમામ દલીલોએ ગૃહનું વાતાવરણ ગરમાવી દીધું હતું.

આ પણ વાંચો :  MLA હાર્દિક પટેલને અમદાવાદ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું

Tags :
12-hour labor bill GujaratGopal Italia news todayGujarat Assembly clashKantilal Amrutia news
Next Article