Kheda: હૈજરાબાદ પંચાયતમાં દાખલા માટે 100 વસૂલાતા હોવાના આક્ષેપ, ગ્રામજનો સરપંચ પર રોષે ભરાયા
- Kheda ના માતરના હૈજરાબાદ ગ્રામ પંચાયતમાં ભાવપત્રક લાગ્યાનો આરોપ
- દાખલા માટે રૂ.100 વસૂલાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોની રજૂઆત
- સરપંચ દ્વારા 100 રૂપિયાની વસૂલાત કરાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
- સહી-સિક્કાવાળું ભાવપત્રક લગાવ્યાનો ગ્રામજનો દ્વારા આરોપ
- રૂપિયાની વસૂલાતના આક્ષેપ સાથે DDO ને કરી લેખિત રજૂઆત
Kheda:ખેડા જિલ્લાના માતર તાલુકા માં આવેલી હૈજરાબાદ ગ્રામ પંચાયત(Haijarabad Gram Panchayat) હાલમાં એક ગંભીર વિવાદના કારણે ચર્ચામાં આવી છે. ગ્રામજનોએ પંચાયત કચેરીમાં ભાવપત્રક (Rate List) લગાવવામાં આવ્યું હોવાનો અને વિવિધ સરકારી દાખલાઓ કાઢવા બદલ નિયમ વિરુદ્ધ રુ.100 ની વસૂલાત કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
સહી-સિક્કાવાળું ભાવપત્રક લાગ્યું: આક્ષેપ
ગ્રામજનોના આક્ષેપ મુજબ હૈજરાબાદ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા જાતે જ આ રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે પંચાયત કચેરીમાં જે ભાવપત્રક લગાવવામાં આવ્યું છે, તે ફક્ત મૌખિક નથી પરંતુ તેના પર સહી અને સિક્કા પણ કરવામાં આવ્યા છે, જે તેને જાણે કે 'અધિકૃત' વસૂલાતનો દર દર્શાવે છે. આ ભાવપત્રક હેઠળ સામાન્ય રીતે નિઃશુલ્ક કે નજીવી સરકારી ફીમાં મળવાપાત્ર એવા વિવિધ આવક જન્મ, મરણના દાખલા, રેશનકાર્ડના કામ માટે રુ. 100 ની માગંણી કરવામાં આવે છે. સાથે જમીનની 7-12 નકલના પણ વધુ પડતાં રુપિયા લેવામાં આવતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગ્રામજનોએ DDO ને લેખિત રજૂઆત
આ મનસ્વી વહીવટ અને પૈસાની ગેરકાયદેસર વસૂલાતથી ત્રસ્ત થઈને હૈજરાબાદના જાગૃત ગ્રામજનોએ હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. રૂપિયાની વસૂલાતના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભેગા થઈને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આ સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ડી.ડી.ઓ.ને વિનંતી કરી છે કે સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી આ ગેરરીતિની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ભાવપત્રક રદ કરીને નિયમ વિરુદ્ધ વસૂલવામાં આવેલા રૂપિયા ગ્રામજનોને પરત મળે.
વહીવટી તપાસની માંગ
ગ્રામજનોએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પંચાયતનો વહીવટ પારદર્શક હોવો જોઈએ અને સરકારી સેવાઓ માટે આ રીતે નાગરિકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચોઃ Kheda: ડાકોરમાં 40 વિદ્યાર્થિનીને બસ ના મૂકાતા હાલાકી, ડેપોમાં કર્યો હોબાળો
આ પણ વાંચોઃ Kheda: SIRનું કામ કરતાં આચાર્યનું અવસાન!, ઊંઘ્યા પછી જાગ્યા જ નહીં!