Kheda: કોંગ્રેસની જીત બાદ મરીડામાં રણસંગ્રામ, ભાજપ-કોંગ્રેસ સામસામે.
- Kheda: નડિયાદના મરીડામાં વિજય સરઘસ દરમિયાન ભારે હોબાળો!
- મરીડા બેઠક પર કોંગ્રેસની જીત બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
- કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચૌહાણના સરઘસમાં મામલો બિચક્યો
- ભાજપના પરાજય બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને અથડામણ
- DYSP અને ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત
- હાલ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં, ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Kheda જિલ્લાના નડિયાદ તાલુકાના મરીડા (Marida) ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ગંભીર અથડામણના સમાચાર સામે આવ્યા છે. નડિયાદ તાલુકા પંચાયતની મરીડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી જાહેર થતા જ મામલો બિચક્યો હતો. જીતના ઉત્સાહમાં કાઢવામાં આવેલા વિજય સરઘસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો.
Kheda: ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ
મળતી વિગતો અનુસાર, મરીડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચૌહાણ (Rajesh Chauhan) નો શાનદાર વિજય થયો હતો. આ જીતની ઉજવણી કરવા માટે સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના પરાજીત ઉમેદવાર અને કોંગ્રેસના વિજયી પક્ષના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે ચકમક ઝરતા મામલો વધુ વણસ્યો હતો. ભાજપના ગઢમાં કોંગ્રેસની જીત બાદ સર્જાયેલી આ સ્થિતિએ સ્થાનિક તંત્રને દોડતું કરી દીધું હતું.
પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો
ઘટનાની ગંભીરતાને જોતા નડિયાદ ડીવાયએસપી (Nadiad DYSP), ખેડા ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ અને નડિયાદ રૂરલ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અસરથી મરીડા પહોંચી ગયો હતો. પોલીસની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને અઘટિત ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Banaskantha જિલ્લા પંચાયત ભાજપના કબજે, હાર માટે કોંગ્રેસે ‘લગ્નની સિઝન’ને ગણાવી જવાબદાર!


