Kheda: એવી તો શું ઉતાવળ હતી? વિદ્યાર્થિનીઓ વર્ગખંડમાં હતી અને શિક્ષકો તાળું મારી જતા રહ્યાં
- ખેડા તાલુકામાં આવેલી શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી
- વિદ્યાર્થિનીઓ વર્ગખંડમાં હતી અને શિક્ષકો ઘરે જતા રહ્યાં
- મુખ્ય દરવાજે તાળું જોતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગઇ અને બુમો પાડી
Kheda: ખેડા તાલુકામાં આવેલી એક કન્યા શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. ખેડા તાલુકાના નવાગામ ખાતે આવેલ કન્યા શાળામાં ધોરણ 07ની વિદ્યાર્થીનીઓ ઉપરના માળે વર્ગખંડમાં હોવા છતાં મુખ્ય દરવાજાને તાળુ મારીને શિક્ષકો ઘરે જતા રહ્યા હતા. શાળા છૂટવાના સમયે મુખ્ય ગેટને તાળું જોતા વિદ્યાર્થીનીઓએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના સ્થાનિકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા. શાળાની ચાવીઓ મંગાવીને તાળુ ખોલીને વિદ્યાર્થીનીઓને બહાર લાવવામાં આવી હતી.
શિક્ષકનો ઘરે જવાની એવી તો શું ઉતાવળ હશે?
નવાગામમાં આવેલ કન્યા શાળામાં ધોરણ 01થી 08 સુધીના વર્ગો ચાલે છે. શાળામાં ફરજ બજાવતા 5 શિક્ષકો પૈકી આચાર્ય ઓડિટમાં અને અન્ય બે શિક્ષકો તાલીમમાં ગયા હતા. જયારે બે શિક્ષિકા શાળામાં હાજર હતી. શાળાના બીજા માળે આવેલ ધોરણ 07ના વર્ગમાં કુલ 17 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. 10 ડિસેમ્બરના રોજ સાંજે 05 વાગ્યે શાળા બંધ કરવામાં આવી હતી. પરંતુ શાળામાંથી તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા છે કે નહીં તેની નિયમોનુસારની તપાસ હાજર શિક્ષકો દ્વારા કરવામાં આવી ન હતી. જેથી ધોરણ 07ની વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક કાર્યમાં મશગુલ હતી અને શિક્ષિકાઓ શાળાના મુખ્ય દરવાજાને તાળું મારીને ઘરે જતા રહ્યા.
આ પણ વાંચો: Patan: ગુજરાતમાં ચંદન ઘુસાડનારો ‘પુષ્પા’ કોણ? આંધ્રપ્રદેશની પોલીસે પાટણમાંથી ઝડપ્યું લાલ ચંદન
મુખ્ય દરવાજે તાળું જોતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગઇ અને...
નોંધનીય છે કે, 05 વાગવા છતાંયે શાળા કેમ ન છૂટી તે જોવા ધોરણ 07ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડની બહાર આવતા મુખ્ય દરવાજે તાળું જોતા ગભરાઈ ગઇ હતી. તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ રોજના નિયત સમયે વિદ્યાર્થીની ઘરે ન આવી હોવાની ચિંતા કરતા વાલીઓએ શાળાને તાળું માર્યાની વાત ખબર પડતા દોડી આવ્યા હતા અને શિક્ષિકાઓની બેદરકારી મામલે હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો: કુંભ મેળામાં જશે ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ, સંશોધન કરવા માટે મળ્યું ખાસ આમંત્રણ
આ સમગ્ર મામલે તાલુકા પ્રા.શિ.ને જાણ કરવામાં આવી
વાલીઓ દ્વારા તત્કાળ ચાવી મંગાવીને તાળુ ખોલવામાં આવ્યું હતું. અને સમગ્ર મામલે તાલુકા પ્રા.શિ.ને જાણ કરવામાં આવી હતી. જો કે આ ગંભીર પ્રકારની ભૂલ સંદર્ભે તંત્ર દ્વારા જવાબદાર શિક્ષિકાઓ સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને સમાધાન કરીને મામલો આટોપી લેવાનો પ્રયાસ થયો છે.
અહેવાલઃ કિશન રાઠોડ, ખેડા
આ પણ વાંચો: AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો, શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે?