Vadodara : 5 લોકોને કચડી નાખનાર લો સ્ટુડન્ટનો દાવો, 'હું નશામાં નહોતો, કાર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી'
- વડોદરા અકસ્માતની ઘટનામાં નવો વળાંક આવ્યો
- ઘટના સમયે નશામાં ન હોવાનો આરોપીનો દાવો
- ફુલ સ્પીડે ગાડી ચલાવવાનો પણ ઈનકાર
Vadodara hit and run case : હોલીકા દહનની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે એક કારે ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે 8 જેટલા અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનામાં પોલીસે કાર ચાલક આરોપી રક્ષિત ચોરસિયા અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી સામે સાપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ દુર્ઘટનામાં એક યુવતીનું મૃત્યુ નિપજ્યું
નોંધનીય છે કે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક દિવસ અગાઉ બનેલી ઘટનાને પગલે ચારેકોર ચકચાર મચી હતી. જેમાં બેફામ બનેલા નબીરાએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી 8 લોકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. આ દુર્ઘટનામાં હેમાલી પટેલ નામની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે કારચાલક રક્ષિત ચોરસિયા (રહે. વારણસી, ઉત્તરપ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા મિત પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે. વોક્સવેગન કંપનીની કાર આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ વિદ્યાર્થી કયા રાઉન્ડ વિશે કહી રહ્યો છે ?
આ ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે જ્યારે અકસ્માત સર્જી નબીરાઓએ ગાડી રોકી ત્યારે મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાનો દોસ્ત પ્રાંશુ ચૌહાણ ગાડીમાંથી તરત નીકળી જાય છે, ત્યારબાદ રક્ષિત બહાર આવે છે અને જોર જોરથી બુમો પાડવા લાગે છે અને કહે છે કે, અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ. જ્યારે નજીકમાં ઉભેલા લોકો તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ઘાયલ લોકો જમીન પર વિખેરાયેલા પડ્યા હતા. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. જોકે, રક્ષિતે એ વાતનો ઇનકાર કર્યો છે કે તે ખૂબ જ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. હવે પ્રશ્ન તો થવાનો કે આ લો નો વિદ્યાર્થી કયા રાઉન્ડ વિશે કહી રહ્યો છે ? તે તો તેજ જાણે. પણ એટલુ તો સ્પષ્ટ થઈ જાય છે કે તેણે કોઈક નશો કરેલો છે.
આ પણ વાંચો : VADODARA : નશાની હાલતમાં કારનો અકસ્માત સર્જનારને દબોચતી પોલીસ
યુવકે ઘટના સમયે નશામાં હોવાનો ઇનકાર કર્યો
જ્યારે આ ઘટના બની ત્યારે રક્ષિત ચોરસિયા નશામાં ધુત હતો. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષિતે ડ્રગ્સનો નશો કર્યો હતો. હવે તે કયું ડ્રગ્સ હતુ તેના વિશે હાલ કોઈ માહિતી નથી. ત્યારે હવે આ 20 વર્ષીય યુવકે ઘટના સમયે નશામાં હોવાનો ઇનકાર કર્યો છે. યુવકે એવો પણ દાવો કર્યો છે કે સ્કૂટર સવાર સાથે અથડાયા બાદ ગાડીની એરબેગ ખુલી ગઈ હતી. જેના કારણે તે આંખોથી જોઈ શક્યો નહીં અને રસ્તાની બાજુમાં ઉભેલા અન્ય ચાર લોકો કચડાઈ ગયા. યુવકે વધુ ઝડપે કાર ચલાવવાનો પણ ઇનકાર કર્યો છે.
મીડિયા સાથે વાત કરતા, યુવક રક્ષિતે કહ્યું, "ચાર રસ્તા પાસે એક ખાડો હતો. મેં તે જગ્યા જોઈ અને બાજુમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પણ ખાડાને કારણે મારી કાર આગળ જઈ રહેલા સ્કૂટર સાથે અથડાઈ ગઈ. અચાનક આંચકો આવવાને કારણે ગાડીની એરબેગ ખુલી ગઈ. જેના કારણે હું આગળ કંઈ જોઈ શક્યો નહીં અને અન્ય લોકો કચડાઈ ગયા. મારી કારની ગતિ 50 કિમી પ્રતિ કલાકથી વધુ ન હતી."
આ વિદ્યાર્થી ડ્રગ્સ લાવ્યો ક્યાંથી ?
ગુજરાત અને અમદાવાદમાં ડ્રગ્સ તથા નશાખોરીની માયાજાળ ખૂબ ઊંડી અને વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગઈ છે. જેનો શિકાર ગુજરાતનો યુવા વર્ગ બની રહ્યો છે. આજે ગુજરાતના દરેક શહેરમાં ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થ ઉપલબ્ધ છે. જે આજના યુવાધનને ખોખલુ કરીને મુકશે. આ લત એવી છે કે યુવાનો એકવાર આ ચુંગાલમાં ફસાય જાય તો તેમાંથી બહાર નીકળવુ પણ મુશ્કેલ બની જાય છે. સુત્રોના હવાલે, જ્યારે નશો કરવા પૈસાના સ્ત્રોત સમાપ્ત થઈ જાય તો તેમની પાસે પેડલર તરીકે ડ્રગ્સ-ડીલરો કામ પણ કરાવે છે, આથી પણ ચોંકાવનારું સત્ય એ છે કે યુવતીઓ ડ્રગ્સના નશામાં સપડાય અને પૈસા ન હોય તો તલબ પૂરી કરવા તેઓ શરીર આપવા પણ તૈયાર થઈ જાય છે. અત્યંત પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ પરિવારની યુવતીઓની આ નબળાઈનો લાભ ઉઠાવીને ડ્રગ્સ-ડીલરો રીતસરનું સેક્સ રેકેટ પણ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો : VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી એક દિવસના રિમાન્ડ પર
સરકાર પાસે ડ્રગ્સનો કારોબાર રોકવાનો ઉપાય નથી
આ છે આપણા વિકાસશીલ ગુજરાતની સ્થિતિ. જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે સરકાર અને ગૃહમંત્રી તરત જ હરકતમાં આવી જાય છે. પણ તે પહેલા જ જો સરકારે ડ્રગ્સના આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપ્યુ હોત તો કદાચ આજે હેમાલી પટેલનુ બાળક માં વિનાનુ ના બન્યું હોત. ડ્રગ્સના આવા કિસ્સાઓ પહેલા પણ બહાર આવ્યા છે. સરકાર હંમેશા ફક્ત હરકતમાં જ આવે છે. એનાથી વિશેષ કઈ થતુ નથી. સરકાર પાસે ડ્રગ્સનો આ કારોબાર રોકવાનો કોઈ ઉપાય ન હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
સવાલ એ પણ થાય છે કે, ગુજરાતમાં ડ્રગ્સ માફિયા કોની રહેમ નજર હેઠળ પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે ? આ અંગે સરકારે તપાસ તો કરવી જ જોઈએ. આતો પોલીસના અને સરકારના મોં પર ડ્રગ્સ માફિયાઓનો ખુલ્લો પડકાક છે. હવે જોવાનુ એ રહે છે કે સરકાર ગુજરાતના યુવાધનને બચાવવા આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કોઈ નક્કર પગલા લે છે કે પછી મૃતકના પરિવારને ખાલી સાંત્વના આપી દુખ વ્યક્ત કરી છટક બારી શોધી લેશે. જો કે, જનતા તો થાડા દિવસોમાં આ ઘટના ભુલી જ જવાની છે એ વાતનો સરકારને પહેલેથી જ અહેસાસ છે એટલે તેનો ગેરફાયદો સરકાર તો ઉઠાવશે જ. આખરે એટલુ કહી શકાય કે દરેક બાબતે જનતાની ચુપ્પી ગુજરાતને બરબાદી તરફ લઈ જઈ રહી છે.
આ પણ વાંચો : VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી સામે માનવવધનો ગુનો દાખલ