RTE હેઠળ ખોટા આવકના દાખલાઓ સામે કાયદેસરની કાર્યવાહી
- RTE હેઠળ ધોરણ-૧માં ફળવાયેલા પ્રવેશ અંતર્ગત
- પ્રથમ રાઉન્ડમાં નર્મદા જિલ્લામાં આવકના દાખલાઓ ખોટા-શંકાસ્પદ જણાતા કાયદેસરની કાર્યવાહી કરાઇ
- આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાએથી અરજદારોના આવકના દાખલાઓની ચકાસણી
RTE રાઈટ ટુ એજ્યુકેશન (Right to Education) - હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ-૧માં ૨૫ ટકા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી ઓનલાઈન વેબપોર્ટલના માધ્યમથી હાલમાં ચાલી રહી છે, જે અંતર્ગત તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૫નાં રોજ ઓનલાઈન પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
નિયામક પ્રાથમિક શિક્ષણ(Director of Primary Education)ની કચેરી દ્વારા સાચા, જરૂરિયાતમંદ, નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશનો લાભ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ કચેરી દ્વારા પ્રથમ રાઉન્ડમાં ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ પૈકી નર્મદા જિલ્લાની ધ્યાન પર આવેલી ઓછી આવક દર્શાવેલી અરજીઓમાં સબંધિત અરજદારો દ્વારા અપલોડ કરવામાં આવેલા આવકના દાખલાઓ શંકાસ્પદ જણાતા આવા આવકનાં દાખલાઓ તલાટીશ્રીને ખરાઈ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં આ દાખલાઓ ખોટા સહી-સિક્કાવાળા જણાતા સબંધિત કસુરવારો સામે નર્મદા જિલ્લાના તલાટીશ્રીઓ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાખલો ઈસ્યુ કરનાર કચેરી ખાતેથી ખરાઈ કરાવવાની કાર્યવાહી
આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ૫૦ હજાર કે તેથી ઓછી આવકના દાખલા રજૂ કરી RTE હેઠળ પ્રવેશ મેળવેલ અરજદારોના આવકના દાખલાઓની જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા દાખલો ઈસ્યુ કરનાર કચેરી ખાતેથી ખરાઈ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જો ખરાઈ બાદ આવકના ખોટા દાખલાઓ ધ્યાન પર આવશે તો જિલ્લાકક્ષાએથી આવા બાળકોના RTE હેઠળના પ્રવેશ નિયામાનુસાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
અહેવાલ : કનુ જાની


