Dahod માં LIC અને યુનાઇટેડ વે ઓફ બરોડાએ અર્પણ કરી મોબાઇલ મેડિકલ વાન
- રાજ્ય સરકારે Dahod ને મહત્વકાંક્ષી જિલ્લા તરીકે કર્યો છે જાહેર
- LIC અને યુનાઇટેડ વે ઓફ બરોડાએ મોબાઇલ મેડિકલ વાન અર્પણ કરી
- સંજીવની પ્રોજેકટ અંતર્ગત મેડિકલ વાન અર્પણ કરાઇ
રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લાની શ્રેણીમાં જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત માતા અને બાળ આરોગ્ય સહિત અન્ય ગંભીર રોગોની સમયસર તપાસ અને સારવાર અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. LIC Housing Finance Ltd ની CSR પહેલ હેઠળ અને યુનાઇટેડ વે ઓફ બરોડાના સહયોગથી 'સંજીવની પ્રોજેક્ટ' અંતર્ગત દાહોદને મોબાઇલ મેડિકલ યુનિટ વાન અર્પણ કરવામાં આવી છે.
અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચશે આરોગ્ય સેવા
આ મેડિકલ વાન દાહોદ તાલુકાના કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાળવવામાં આવી છે. આ વાન દ્વારા જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના ગામ સુધી આરોગ્ય સ્ક્રિનિંગ અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવાશે. ખાસ કરીને કોમ્યુનિકેબલ અને નોન-કોમ્યુનિકેબલ રોગોની સમયસર તપાસ થવાથી આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે.
શિશુ કીટનું કરાશે વિતરણ
આ પ્રસંગે ગરબાડા તાલુકાની ધાત્રી માતાઓને શિશુ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૫ થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અંદાજે કુલ 5000 શિશુ કીટ વિતરણ કરવાનું આયોજન છે. આ કીટમાં નવજાત બાળકની જરૂરિયાત મુજબ બેગ, નેપકિન, ઝબલા, મોજા, ગરમ રૂમાલ, બાળોતિયા, ટોપી અને પ્લાસ્ટિક ચટાઈ જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
Dahod સંસ્થાઓની કામગીરીને બિરદાવાઈ
આ પહેલ બદલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ અને યુનાઇટેડ વે ઓફ બરોડાને પ્રશંસા પત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેવા સમાજના અંતિમ વ્યક્તિ સુધી ગુણવત્તાયુક્ત હેલ્થકેર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
Dahod કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટ, LIC હાઉસિંગ ફાઈનાન્સના CSR પ્રોજેક્ટ લીડ યશ જૈન, યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રોજેક્ટ મેનેજર રીતુ અથવાલ, જિલ્લા RCHO અશોક ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અવિનાશ ડામોર સહિત મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : રાહુલ ગારી, ગરબાડા/દાહોદ
આ પણ વાંચો: SIR Campaign : મતદાર યાદીમાં નામ નોંધાવવાની છેલ્લી તક: 18 જાન્યુઆરી સુધી


