Mahesana : ગોઝારિયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યુ ઉદ્ઘાટન
- ગોઝારિયા ખાતે નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનો ઉદ્ઘાટન સમારોહ
- કેન્દ્રિય ગૃહ મંત્રી Amit Shah ના અધ્યક્ષસ્થાને યોજાયો ભવ્ય સમારોહ
- દેશના 60 કરોડ નાગરિકોને આયુષ્માન કાર્ડ થકી રુપિયા 5 લાખ સુધીની આરોગ્ય સારવાર મળી રહી છે
Mahesana : જિલ્લાના ગોઝારિયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનિલાલ અને શેઠશ્રી ડોસાભાઈ માધવજી સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા દ્વારા સંચાલિત શ્રી કે.કે. પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, દેશના નાગરિકો માટે વડાપ્રધાને આરોગ્ય સેવાઓ સુલભ બનાવી છે. તેમણે કહ્યું કે, દેશના 60 કરોડ નાગરિકોને આયુષ્માન કાર્ડ થકી રુપિયા 5 લાખ સુધીની આરોગ્ય સારવાર મળી રહી છે. આ પ્રસંગે આ ભવનના નિર્માણમાં દાન આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
1 લાખ 37 હજાર કરોડ રુપિયાની ફાળવણી
ગોઝારિયા ખાતે નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ જણાવ્યું હતું કે, અગાઉ દેશના નાગરિકોના આરોગ્યની સારવાર માટે 37 હજાર કરોડ રુપિયાની ફાળવણી થતી હતી જે વડાપ્રધાન મોદીએ વધારીને 1 લાખ 37 હજાર કરોડ રુપિયા જેટલી કરી છે. તેમણે કહ્યું કે, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ, હર ઘર જલ, ઘર ઘર શૌચાલય, મિશન ઈન્દ્રધનુષ, આયુષ્યમાન ભારત જેવી અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે. દેશમાં નેશનલ ડિજિટલ હેલ્થ ઈકો સીસ્ટમ, આયુષ્માન મંદિરથી નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થયો છે. આજે દેશમાં 7 માંથી 23 એઈમ્સ, 387 માંથી 780 મેડિકલ કોલેજો થઈ છે. જેનાથી ભૂતકાળમાં 51,000 ડોક્ટરો પદવી મેળવતા હતા જ્યારે આજે 1,18,000 ડોક્ટરો દેશના નાગરિકોની સેવા કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં જન ઔષધિ કેન્દ્રથી 25,000 કરોડ રૂપિયાની દવાઓ દેશના નાગરિકોને મળી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશનના સૂત્ર સાથે આગળ વધવાનું છે - અમિત શાહ
નવ નિર્મિત ભવનની ખાસિયતો
ઉલ્લેખનીય છે કે ગોઝારિયાની આ હોસ્પિટલ સર્જીકલ, ગાયનેક, મેડીસીન, ઓર્થોપેડીક, આંખ, બાળ, દાંત, ફિઝીયોથેરાપી જેવા વિભાગો અને કિડની ડાયાલિસીસ સેન્ટરથી સજ્જ છે. આ ઉપરાંત માનદ વિઝીટીંગ સેવાઓમાં ઈએનટી, સ્કીન, માનસિક, સોનોગ્રાફી, ગેસ્ટ્રોલોજી, ઈકો, નેફ્રોલોજી, ન્યૂરો ફિઝીશીયન, પર્મોલોજી સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ઉપસ્થિત મહાનુભાવો
ગોઝારિયા ખાતે નર્સિંગ કોલેજના નવ નિર્મિત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah ઉપરાંત, કાંકરોલી નરેશ પરમ પૂજ્ય 108 ડો.વાગીશકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશ પટેલ, જે.એસ.પટેલ, જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ હોસ્પિટલ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.