મહિસાગરમાં ચાલુ કારના બોનેટ પર જોખમી ડાન્સ: ડીજેના તાલે જાનૈયાઓ ભાન ભૂલ્યા, વીડિયો વાયરલ
Mahisagar car stunt viral video: હાલના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પર રીલ્સ અને વીડિયો બનાવવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાનો પોતાના જીવના જોખમે પણ સ્ટંટ કરતા અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો વીડિયો મહિસાગર (Mahisagar) જિલ્લામાં વાયરલ (Viral Video) થયો છે, જેમાં કેટલાક યુવકો રસ્તા પર દોડતી કાર પર અત્યંત જોખમી રીતે સ્ટંટ અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
ડીજેના તાલે ભાન ભૂલ્યા જાનૈયાઓ
મળતી માહિતી મુજબ, આ વીડિયો કોઈ લગ્નપ્રસંગની જાનનો હોવાનું જણાઈ રહ્યું છે. લગ્નના ઉત્સાહમાં ડીજે (DJ) ના મોટા અવાજે વાગતા ગીતોના તાલે જાનમાં આવેલા કેટલાક યુવકો પોતાનું ભાન ભૂલ્યા હતા. કાયદા અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને આ યુવાનો ચાલુ ગાડી પર ચડી ગયા હતા અને જોખમી રીતે નાચવા લાગ્યા હતા. વાયરલ ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેદરકારીની તમામ હદો વટાવી દેવામાં આવી છે.
કારના બોનેટ ઉપર ચડીને સ્ટંટ
આ વીડિયોમાં સૌથી વધુ ચોંકાવનારા દ્રશ્યો એ છે કે, યુવકો ચાલુ ગાડીના બોનેટ (Car Bonnet) ઉપર ચડી ગયા હતા અને ત્યાં ઊભા રહીને જોખમી રીતે ડાન્સ (Dance) કરી રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક યુવાનો ચાલુ કારની બારીઓમાંથી બહાર નીકળીને હુરિયો બોલાવતા નજરે પડ્યા હતા. ચાલુ કારે સંતુલન બગાડત અથવા સહેજ બ્રેક વાગતે તો પણ બોનેટ પર રહેલા યુવકો નીચે પટકાઈ શક્યા હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
વીડિયોના ચોક્કસ લોકેશન અંગે સસ્પેન્સ
જો કે, આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર મહિસાગર જિલ્લાનો હોવાના દાવા સાથે ખૂબ શેર થઈ રહ્યો છે, પરંતુ આ વીડિયો મહિસાગરના કયા ચોક્કસ વિસ્તાર કે રોડનો છે તેની સત્તાવાર પુષ્ટિ હાલ થઈ શકી નથી. વીડિયો સામે આવ્યા બાદ હવે સ્થાનિક પોલીસ (Police) આ મામલે તપાસ હાથ ધરીને જોખમી રીતે ડ્રાઇવિંગ કરનારા અને સ્ટંટ કરનારા શખ્સોને શોધી કાઢી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો! ગુજરાતના રોડ પર દોડી 'મોતની ક્રુઝર'! જુઓ Viral Video


