MBSIR : વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ તરીકે ઊભરી રહેલું માંડલ-બેચરાજી
MBSIR : માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન-Mandal-Becharaji Special Investment Region (MBSIR)ના કારણે છેવાડાના ગામો સુધી પહોંચ્યો વિકાસ, લોકોના જીવનધોરણમાં થયો સુધારો
**
₹30 હજારની સેલેરી સાથે કારકિર્દીની શરૂઆત કરનારા પ્રદ્યુમનસિંહ ઝાલાનું આજે વાર્ષિક ટર્નઓવર ₹3.50 કરોડ
**
“એક સમયે લોકો રોજગારી માટે સ્થળાંતરિત થતા હતા, આજે MBSIR બનવાને કારણે સ્થાનિક સ્તરે જ અનેક તકો મળી રહી છે”: અમરસિંહ ઠાકોર
**
MBSIR બનવાને કારણે ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાનો વકરો બમણો થયો
**
ઓટોમોબાઇલના ઉત્પાદન માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું MBSIR, માંડલ બેચરાજીના ઔદ્યોગિક વિકાસથી સ્થાનિક ધંધા-રોજગારને મળ્યો વેગ
**
MBSIR (Mandal-Becharaji Special Investment Region) વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ તરીકે ઊભરી રહેલું માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્ર (MBSIR) એ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું કેન્દ્ર છે. મારૂતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થવાના કારણે અહીંના સ્થાનિક ધંધા-રોજગારને વેગ મળ્યો છે અને લોકોના જીવનધોરણનું સ્તર ઊંચું આવ્યું છે.
₹30 હજારની સેલેરી સાથે કારકિર્દીની શરૂઆત કરનારા પ્રદ્યુમનસિંહ ઝાલાનું આજે વાર્ષિક ટર્નઓવર ₹3.50 કરોડ
માંડલ-બેચરાજીનો ઔદ્યોગિક વિકાસ થવાના કારણે બેચરાજીના 31 વર્ષીય પ્રદ્યુમનસિંહ ઝાલા આજે પોતાના વ્યવસાયમાં આગળ પડતા છે અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે. બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કર્યા બાદ તેઓ 30 હજારની સેલેરી સાથે કંપનીમાં જોબ કરતા હતા. આજે બેચરાજીમાં તેમની પાસે જેકે ટાયર, બ્રિજસ્ટોન, યોકોહોમા અને એક્સાઇડની ડીલરશિપ છે અને મહિને એક લાખથી વધુ રૂપિયાનો નફો કરે છે. પ્રદ્યુમનસિંહ ઝાલા જણાવે છે કે, “હું છેલ્લા 4 વર્ષથી ટાયર બિઝનેસ સાથે જોડાયેલો છું. શરૂઆતમાં અમારું વાર્ષિક ટર્નઓવર ₹50 લાખ હતું, જે આજે લગભગ સાડા 3 કરોડ સુધી પહોંચ્યું છે. SIRમાં અમારી ખુદની જમીન હતી, પણ જ્યારે રોડ અને અન્ય સુવિધાઓ મળી ત્યારે જ અમે બિઝનેસ શરૂ કરી શક્યા. MBSIRના કારણે ગામનો પણ સારો વિકાસ થયો છે અને દરેક વ્યક્તિને પોતાના વ્યવસાયને લગતું કામ મળી રહ્યું છે.”
MBSIR બનવાને કારણે સ્થાનિક સ્તરે અઢળક તકો ઉપલબ્ધ
અમદાવાદના માંડલ તાલુકાના સીતાપુર ગામના અને ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અમરસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, “સીતાપુર તથા આસપાસના ગામના લોકોને અહીં સ્થપાયેલી કંપનીઓમાં રોજગારી મળી રહી છે. આ તકો સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર બંનેને પ્રાપ્ત થઈ છે. એક સમયે લોકો નોકરી માટે સ્થળાંતર કરતા, પણ MBSIRને કારણે સ્થળાંતર કરનારા લોકોમાં અત્યંત ઘટાડો થયો છે. આજે ઔદ્યોગિક વિસ્તારો ધમધમતા હોવાથી નાના-મોટા વ્યવસાયોનો વકરો વધ્યો છે. કરિયાણા, કાપડ, ડેરી જેવા નાના વ્યવસાયકારોને પણ લાભ થયો છે.”
MBSIR- ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાનો વકરો થયો બમણો
બેચરાજીથી 3 કિમી દૂર ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાએ જણાવ્યું હતું કે, “માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બન્યું, એ પહેલાં માત્ર ગામના લોકો અને એક ગામથી બીજે ગામ જતા લોકો જ ચા પીવા માટે ક્યારેક આવતા. હવે MBSIR બનવાના કારણે કનેક્ટિવિટી વધી છે, જેથી ટી સ્ટોલ પર આવતા ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. પહેલાં અમારે દિવસમાં ₹1000થી ₹1200 જેટલો વકરો થતો હતો. પણ હવે મારો રોજનો ₹4000થી ₹5000 જેટલો વકરો થાય છે. ધંધાની આવક વધવાના કારણે જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. બાળકોને સારું શિક્ષણ પણ આપી શકીએ છીએ.”
ગામડાંઓમાં વિકાસ થયો, નાના વ્યવસાયો માટે તકો વધી
બેચર ગામના આંગણવાડી કાર્યકર ગોપીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “માંડલ-બેચરાજીમાં અનેક પ્લાન્ટ્સના આવવાથી આજુબાજુના ગામડાઓમાં નોંધનીય વિકાસ થયો છે. લોકોના ધંધાની આવક વધવાના કારણે જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. ગામમાં શૌચાલય, સારા રસ્તા અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થઈ છે.”
બેચરાજી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દેવાંગભાઈ પંડ્યા જણાવે છે કે, “પહેલાં બેચરાજી માત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું હતું અને આજે તેનો ઔદ્યોગિક વિકાસ થવાથી નાના-મોટા વ્યવસાયો માટે અનેક તકો ખુલી છે. MBSIRના કારણે સ્થાનિક નોકરીઓ ઊભી થવાથી હવે લોકોનું અન્ય શહેરો તરફ સ્થળાંતર અટક્યું છે.”
ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં યુનિફૉર્મ, બેન્ચ, સ્માર્ટ બોર્ડ, લાયબ્રેરી, ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
હાંસલપુર પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “CSR (Corporate Social Responsibility) હેઠળ કંપનીઓ દ્વારા શિક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં યુનિફૉર્મ, બેન્ચ, સ્માર્ટ બોર્ડ, લાયબ્રેરી, ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. તો સીબીએસઈ સ્કૂલના આવવાથી બાળકો હવે ગામમાં રહીને જ શિક્ષણ મેળવે છે.”
માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં થશે ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હેઠળ કુલ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રાદેશિક કોન્ફરન્સિસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાશે. સૌથી પહેલાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં થવાનું છે.
બે દાયકા પહેલાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના ફળસ્વરૂપે ગુજરાતને અનેક એવા મેગા પ્રોજેક્ટ્સ મળ્યા છે, જે ગુજરાતના ભવિષ્યના વિકાસને સંચાલિત કરશે. એમાંનો એક મેગા પ્રોજેક્ટ છે, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પ્રતિબદ્ધતાના કારણે પહેલાં રાજ્યના જે વિસ્તારો પછાત ગણાતા હતા, એવા વિસ્તારોમાં આજે અઢળક તકો ઊભી થઈ છે.
આ પણ વાંચો : Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ, શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર