અમદાવાદમાં ફરી એક વાર મહિલાઓની સલામતી પર સવાલ ઉભો થયો છે.ધાટલોડિયા વિસ્તારમાં મહિલા પર રવિવારે બનેલી એસિડ એટેકની ધટના બાદ શહેરભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.આ મામલે ધાટલોડિયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.મહિલા અને રિક્ષા ચાલક વચ્ચે મિત્રતા થઇ અમદાવાદનાં ધાટલોડિયા વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલાને પતિ સાથે મનમેળ ન થતા પોતાનાં બે બાળકો સાથે એકલવાયુ જીવન વિતાવે છે અને અલગ અલગ ઘરોમાં ઘરકામ કરીને પોતાનુ અને બાળકોનું ગુજરાન ચલાવે છે.થોડા સમય પહેલા મહિલાને ઘરકામ કરતા જતા સમયે શિવા નાયક નામનાં રિક્ષાચાલકનો પરિચય થયો હતો. જે બાદ મહિલા અને રિક્ષાચાલક વચ્ચે મિત્રતા થઈ હતી.પ્રેમસબંધ રાખવા દબાણ કર્યું રિક્ષાચાલક શિવા નાયક છેલ્લાં ઘણા દિવસોથી મહિલાને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને પોતાની સાથે વાત કરવા માટે હેરાન કરતો હતો.જોકે મહિલાને શિવા સાથે પ્રેમસંબંધ રાખવો ન હોવાથી તેણે પ્રેમસંબંધ માટે ઈન્કાર કરતા શિવા નાયકને લાગી આવ્યું હતું.શિવા નાયક મહિલાને અવારનવાર ધમકીઓ આપતો હતો જેથી મહિલાએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું.ઘાટલોડિયા ટેલિફોન એક્ચેન્જ પાસે બનાવ બન્યો રવિવારનાં દિવસે મહિલા ધાટલોડિયા ટેલીફોન એક્સચેન્જ પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક શિવા નાયક એક્ટીવા લઈને ત્યાં આવ્યો હતો અને મહિલા કંઈ સમજે તે પહેલા જ પોતાની પાસે રહેલી એસિડને મહિલાનાં મોં પર ફેંકીને ફરાર થઈ ગયો હતો.મહિલાએ બુમાબુમ કરતા આસપાસનાં લોકો એકઠા થયા હતા.એસિડ હુમલાનાં કારણે મહિલાને ચહેરા પર બળતરા થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે ધાટલોડિયા પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક મહિલા પાસે જઈને વિગતો મેળવી શિવા નાયક સામે ગુનો દાખલ કર્યો છે અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે..