મંત્રી નરેશ પટેલે રમૂજ ફેલાવીઆ વખતે ગૃહમાં મોટાભાગના મંત્રીઓ પ્રથમ વખત જ જવાબ આપી રહ્યા હોવાથી જ્યારે મંત્રી જવાબ આપતા હોય ત્યારે ઘણીવાર હળવું વાતાવરણ બની જાય છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના પ્રશ્નનો જવાબ આપતાં મંત્રી નરેશ પટેલે રમુજ ફેલાવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પ્રથમ પ્રશ્નની ચર્ચા દરમિયાન સંગ્રહખોરો સામે સરકાર શું પગલાં લેવા માંગે છે તે મુદ્દા નો પ્રશ્ન કરતાં નરેશ પટેલે જવાબ આપ્યો કે આ પ્રશ્ન હાલના પ્રશ્ન બહારનો છે, જ્યારે ત્રીજા ક્રમનો પ્રશ્ન આવશે ત્યારે જવાબ આપીશ. અન્ય કોંગ્રેસી ધારાસભ્ય કેસરીસિંહે વિભાગ ને લગતો પણ અન્ય પ્રશ્ન કરતાં નરેશ પટેલ બોલ્યા કે સભ્ય શ્રી નો પ્રશ્ન ગેરકાયદેસર છે. તેમના જવાબથી કોંગ્રેસી ધારાસભ્યો ગેલમાં આવી ગયા હતા. પ્રશ્ન ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે તેવો વળતો સવાલ કોંગ્રેસી ધારાસભ્યો એ કર્યો હતો. અધ્યક્ષે વચ્ચે પડી નવનિયુક્ત મંત્રીને વિપક્ષના ધારાસભ્યોથી બચાવ્યા હતા. અધ્યક્ષે કહ્યું કે મંત્રી પ્રથમ વખત જવાબ આપી રહ્યા છે માટે તેનો જવાબ સાંભળો. અધ્યક્ષની ટકોર બાદ કોંગ્રેસી ધારાસભ્યો શાંત થયા હતા.નોટિસ આપો, બાદમાં જવાબ મળશેપ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહિલા અને બાળકલ્યાણ વિભાગના બીજા ક્રમના પ્રશ્નનો જવાબ આપવા ઊભા થયેલા મંત્રી મનીષાબેન વકીલે કોંગ્રેસી ધારાસભ્યોને રોકડું પરખાવ્યું હતું. મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોને વીજ કનેકશન અંગે ધારાસભ્ય અજમલજી ઠાકોર ના પ્રશ્નનો જવાબ મંત્રી આપી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાડાના મકાનમાં બેસતી આંગણવાડીઓ મુદ્દે અને આંગણવાડી વર્કરના પગાર વધારા અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કરી પ્રથમ વખત જવાબ આપી રહેલા મહિલા મંત્રીને સવાલોથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા મંત્રીએ રોકડું પરખાવતા કહ્યું કે, પ્રથમ સવાલ તમારું સૂચન છે અને બીજા સવાલના જવાબ માટે નોટિસ આપો, બાદમાં જવાબ આપીશું. આ તકે ધારાસભ્ય સંગીતા પાટીલે સવાલ પુછતાં પહેલા મહિલા મંત્રીને ગૃહમાં સૌપ્રથમ વખત જવાબ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આદિજાતિ યોજનાઓનો વધુ લાભ કોંગ્રેસીઓ લે છેસુરત જિલ્લામાં આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય અંગેના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાના પ્રશ્નનો જવાબ આપતા આદિજાતિ વિકાસમંત્રી નિમિષા સુથારને પણ વિપક્ષના ધારાસભ્યોએ સવાલોથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કરેલા પ્રશ્નોનો મહિલા મંત્રી લંબાણપૂર્વક જવાબ આપતા હોવાથી મકવાણા અકળાયા હતા અને પોતાની જગ્યા પર ઊભા થઈ વારંવાર વચ્ચે બોલી મહિલા મંત્રીને જવાબ આપતા અટકાવવાનો પ્રયાસ કરતા હતા, જે જોઈને અધ્યક્ષ ગુસ્સે ભરાયા હતા. અધ્યક્ષે મકવાણાને ઠપકો આપતાં કહ્યું, આ પ્રકારે હાથ ઊંચા કરીને બોલો નહીં, તમે પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યા હોવાથી તમારે સાંભળવું જોઈએ. જો કે બીજી જ મિનીટે સવાલ પૂછવા ઊભા થયેલા ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે વિપક્ષને ટોણો મારતા કહ્યું કે આદિજાતિ વિકાસની યોજનાઓનો સૌથી વધુ લાભ કોંગ્રેસીઓ લે છે, જે અમે જાતે જોયું છે. કોંગ્રેસને આદિવાસી દિવસ અંગે પણ માહિતી નથીપ્રશ્નોત્તરી કાળ દરમિયાન સુરત જિલ્લામાં આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય અંગેના પ્રશ્ન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે અધવચ્ચે જ ઉભા થઈને કહ્યું કે આજે ૭મી માર્ચ છે અને આજે આદિવાસી દિવસ છે. જય આદિવાસી જય જોહરનો નારો તેમણે લગાવ્યો હતો. આ પ્રશ્ન બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ અંગેના સવાલનો જવાબ આપી રહેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસીઓને આડે હાથ લેતા જણાવ્યું કે આદિવાસીઓના પ્રશ્નોની કોંગ્રેસને ચિંતા નથી. માત્ર આદિવાસીઓના મત લઈ આદિવાસીઓને ભોળવે છે. વાસ્તવમાં તો કોંગ્રેસને આદિવાસી દિવસ ક્યારે છે તેની પણ ખબર નથી. મંત્રીની આ ટકોરથી અશ્વિન કોટવાલ તરત ઊભા થયા હતા અને ચોખવટ કરી કે જાહેરાત કરતી વખતે મને ખબર હતી કે આદિવાસી દિવસ 9મી ઓગસ્ટે આવે છે પણ આજે દડવામાં 1200 આદિવાસીઓએ જે શહાદત વહોરી હતી તે દિવસ હોવાથી આજના દિવસને પણ આદિવાસી દિવસ ગણવો જોઈએ. વિપક્ષની શાંતિ પાછળ કયું કારણ?વિધાનસભા સત્રના ચોથા દિવસે વિપક્ષે ગૃહમાં કોંગ્રેસી નેતા પૂંજા વંશ ના સસ્પેન્શનને રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અધ્યક્ષે મંજૂર રાખી પૂંજા વંશનું સાત દિવસ માટેનું સસ્પેન્શન રદ કર્યું હતું. કોંગ્રેસે સમાધાનકારી વલણ અપનાવતા સસ્પેન્શન રદ કરાયું હતું. જોકે શરૂઆતના ત્રણ દિવસ વિપક્ષે હોબાળો કરવામાં જે તેવર દેખાડ્યા હતા તેવા તેવર ચોથા દિવસે ગૃહમાં જોવા મળ્યા ન હતા. ગૃહમાં પ્રથમ વખત જવાબ આપી રહેલા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનો જવાબ ચાલુ હતો ત્યારે વિપક્ષના ધારાસભ્ય લલિત કગથરાએ તેમને સવાલોથી ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મુખ્ય દંડક પંકજ દેસાઈએ હાથ બતાવીને ઇશારો કરતાં તેઓ શાંત થઇ ગયા હતા. આ જ રીતે અન્ય મંત્રીઓના સવાલ જવાબ દરમિયાન પણ વિપક્ષના ધારાસભ્યો એ માત્ર પૂછવા ખાતર સવાલો પૂછી ઢીલાશ છોડી હતી. વિપક્ષની આ પ્રકારની શાંતિ પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે તેની ચર્ચા વિધાનસભા પરિસરમાં ચાલી હતી. પીએમ મુલાકાત ના પગલે ભાજપની બેઠક રદપ્રદેશ ભાજપના ઉપક્રમે સોમવારે સાંજે ઉત્તર પ્રદેશ ખાતે ચૂંટણી પ્રચાર સહિતની કામગીરીમાં જોડાનારા પ્રદેશ ગુજરાતના હોદ્દેદારો સાથેની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ પણ હાજર રહેવાના હતા. જોકે પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતના કાર્યક્રમોની તૈયારી કરવાની હોવાથી આ બેઠક પાછળથી રદ કરવામાં આવી હોવાનું પ્રદેશના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. હવે આ બેઠક પીએમની ગુજરાત મુલાકાત પૂર્ણ થયા બાદ ગોઠવાશે તેમ જાણવા મળ્યું છે.