ગુજરાતના યુવાનો છેલ્લા બે વર્ષથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે તેમના ઇંતજારનો હવે અંત આવ્યો છે. જીહા, ગૌણ સેવા પસંદગી મંડળે બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ઉમેદવારો આવતા મહિને એટલે કે એપ્રિલ મહિનાની 24 તારીખે બિનસચિવાલયની પરીક્ષા આપી શકશે. રાજ્યના લાખો યુવાનો છેલ્લા બે વર્ષથી બિનસચિવાલય પરીક્ષાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ કોઇને કોઇ કારણોસર પરીક્ષા મોકૂફ થઇ જતી હતી. ખાસ કરીને કોરોના મહામારીના કારણે ગૌણ સેવા પસંદગી મંડળે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજી નહોતી. જોકે, હવે કોરોનાના કેસમાં મોટો ઘટાડો થઇ ગયો છે ત્યારે રાજ્યના લાખો ઉમેદવાર 24 એપ્રિલના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે. છેલ્લા બે-બે વર્ષથી મહેનત કરવા છતા રાજ્યના ઉમેદવારોને પરીક્ષા આપવા મળતી નથી. આ પરીક્ષાની મહેનત કરતા ઘણા લોકો હવે પ્રાઇવેટમાં નોકરી કરવા લાગ્યા છે. બિનસચિવાલયની પરીક્ષા એકવાર નહી પણ ત્રણવાર મોકૂફ થતા ઉમેદવારો પણ માયૂસ થઇ ગયા છે. રાજ્ય સરકાર એક પરીક્ષા લેવા માટે આટલો સમય કેમ લઇ રહી છે તે પણ ઉમેદવારોને સમજાઇ રહ્યું નથી. વળી એકવાર પરીક્ષાનું પેપર ફૂંટી જવાના કારણે આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી. તે વાતને પણ આજે બે વર્ષ ઉપરનો સમય થઇ ગયો છે. હા એ વાત સાચી છે કે કોરોના મહામારીના કારણે પરીક્ષા કેવી રીતે લઇ શકાય પણ જે રીતે રાજ્યમાં અન્ય પરીક્ષાઓ યોજાઇ હતી શું ત્યારે સરકાર આ પરીક્ષા યોજી શકતી નહોતી. એકવાર કોઇ ભૂલ થાય અને પરીક્ષા મોકૂફ કરવી પડે તે સમજી શકાય પણ વારંવાર તેવુ બને ત્યારે ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જાય છે. તાજેતરમાં પણ પરિસ્થિતિ કઇંક આવી જ જોવા મળી રહી છે. ઘણા ઉમેદવાર છે કે જેમણે વારંવાર પરીક્ષા મોકૂફ થતી હોવાના કારણે મહેનત કરવાનું પણ છોડી દીધુ છે. ત્યારે હવે તે સવાલ પણ મોટો છે કે, શું આ વખતે જાહેર કરવામાં આવેલી તારીખ ફાઈનલ હશે કે કેમ?